VIDEO: Los Angeles/ બસ અકસ્માતનું કવરેજ કરી રહેલું ન્યૂઝ હેલિકોપ્ટર જ ક્રેશ થયું, 3નાં મોત
અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles)માં મંગળવારે સાંજે એક પછી એક બે ગંભીર અકસ્માતોએ ચકચાર મચાવી દીધી હતી. પહેલા મેટ્રો બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે લોકોનાં મોત થયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી થોડે જ અંતરે બાદમાં એક હેલિકોપ્ટર (Helicopter) તૂટી પડતાં તેમાં સવાર ચાર લોકોમાંથી ત્રણનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બસ અકસ્માત બાદ નજીકમાં જ હેલિકોપ્ટર ક્રેશ
ફાયર વિભાગના અધિકારીઓ અનુસાર હેલિકોપ્ટર સાંજે લગભગ 7 વાગ્યા પહેલાં સાન ફર્નાન્ડો વેલી (San Fernando Valley) વિસ્તારમાં 9151 N. Mason Avenue પાસે બે કોમર્શિયલ બિલ્ડિંગ વચ્ચે તૂટી પડ્યું હતું. ક્રેશ બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો અને આસપાસના કેટલાક વાહનોમાં પણ આગ લાગી હતી.
આ અકસ્માતમાં કુલ ચાર વાહનો અને બે સ્ટોરેજ કન્ટેનર (Storage Containers)ને નુકસાન થયું અથવા તે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ફાયર અને ઇમરજન્સી ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
બસ અકસ્માતનું કવરેજ કરવા પહોંચ્યું હતું હેલિકોપ્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર KNBC-TVનું હેલિકોપ્ટર મેટ્રો બસ અકસ્માતનું કવરેજ કરી રહ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર ક્રૂ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઘટનાસમયે KTLA સહિત અન્ય કેટલાક ન્યૂઝ હેલિકોપ્ટર પણ બસ અકસ્માતના સ્થળની ઉપર હાજર હતા.
હેલિકોપ્ટર ક્રેશ બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો અને વિમાનમાંથી ચાર લોકોને બહાર કાઢીને મેડિકલ ટ્રાયેજ (Medical Triage) માટે મોકલ્યા હતા. બચી ગયેલા વ્યક્તિની સ્થિતિ અંગે તાત્કાલિક વધુ માહિતી જાહેર કરવામાં આવી નહોતી.
મેટ્રો બસને કાર સાથે જોરદાર ટક્કર
આ પહેલાં સાંજે લગભગ 5 વાગ્યે Chatsworth વિસ્તારમાં West Nordhoff Street અને De Soto Avenueના ઈન્ટરસેક્શન પાસે મેટ્રો બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. કાર બસ સાથે એવી રીતે અથડાઈ હતી કે તે બસની ડાબી બાજુમાં ફસાઈ ગઈ હતી.
આ બસ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય છ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક જ વિસ્તારના થોડા અંતરે બનેલી બંને ઘટનાઓને કારણે મોટી સંખ્યામાં પોલીસ, ફાયર અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.
અધિકારીઓ દ્વારા બંને અકસ્માતોની તપાસ હાથ ધરવામાં આવી છે અને હેલિકોપ્ટર ક્રેશનું ચોક્કસ કારણ જાણવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે

