US news; લોસ એન્જલસમાં ખામેનીનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની રેલીમાં ઘૂસ્યો ટ્રક, ભીડને કચડી નાખી

સોર્સ : GSTV
અમેરિકાના લોસ એન્જલસમાં રેઝા પહલવીના સમર્થનમાં વિરોધ કરી રહેલા ઈરાની રાજાશાહી વિરોધી સંગઠન MEK ના સ્ટીકરવાળા ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા. લોસ એન્જલસમાં ઈરાની રાજાશાહી તરફી અને ખામેની વિરોધી કૂચ દરમિયાન મુજાહિદ્દીન-એ-ખલ્ક સ્ટીકરવાળા ટ્રકે ભીડ પર હુમલો કર્યો. આ હુમલામાં ઘણા વિરોધીઓ ઘાયલ થયા. ટ્રક પર "નો શાહ"ના નારા લખેલા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન ઘૂસ્યો ટ્રક
લોસ એન્જલસમાં ઈરાની રાજાશાહી તરફી અને ખામેની વિરોધી કૂચ દરમિયાન મુજાહિદ્દીન-એ-ખલ્ક સ્ટીકરવાળા ટ્રકે ભીડ પર હુમલો કર્યો. હુમલામાં ઘણા પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના લોસ એન્જલસના વેસ્ટવુડ વિસ્તારમાં વિલ્શાયર ફેડરલ બિલ્ડિંગની બહાર બની હતી. ઈરાની શાસન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન યુ-હૌલ લખેલા ટ્રકે ભીડ પર હુમલો કર્યો હતો.
એક શખ્સની કરી અટકાયત
પોલીસે યુ-હોલ ટ્રકમાંથી એક વ્યક્તિને બહાર કાઢ્યો અને ઘટનાસ્થળે તેની અટકાયત કરી. જ્યારે પોલીસ તેને એસ્કોર્ટ કરી રહી હતી, ત્યારે ઘણા વિરોધીઓએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, કેટલાકે દંડા વડે હુમલો કર્યો હતો, તો બીજી તરફ પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટ્રકનો વિન્ડશિલ્ડ સંપૂર્ણપણે તૂટેલો જોવા મળે છે. કાયદા અમલીકરણ અધિકારીઓએ કહ્યું છે કે હાલ તે સ્પષ્ટ નથી કે ડ્રાઈવરે જાણીજોઈને ભીડને કચડી હતી કે કેમ. ઉલ્લેખનીય છે કે આ રેલી ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં અમેરિકા સ્થિત કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, હિંસક દમન દરમિયાન અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

