લંડનનું હીથ્રો એરપોર્ટ મધરાત સુધી બંધ, સબસ્ટેશનમાં ભીષણ આગ, વીજ પુરવઠો ખોરવાયો
બ્રિટનનું હીથ્રો એરપોર્ટ 21 માર્ચના રોજ મધ્યરાત્રિ સુધી બંધ રહેશે, એરપોર્ટ નજીક

બ્રિટનનું હીથ્રો એરપોર્ટ 21 માર્ચના રોજ મધ્યરાત્રિ સુધી બંધ રહેશે, એરપોર્ટ નજીક આગ લાગવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે મોટા પાયે વીજળી ખોરવાઈ હતી. હીથ્રો એરપોર્ટે X પર પોસ્ટ કર્યું કે 'અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી જાળવવા માટે, હીથ્રો 21 માર્ચના રોજ 23:59 વાગ્યા સુધી બંધ રહેશે."
અસુવિધા બદલ દુઃખ વ્યક્ત કરતાં, મુસાફરોને એરપોર્ટ ન આવવા અને વધુ માહિતી માટે તેમની એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.
શહેરના પશ્ચિમમાં એક સબસ્ટેશનમાં આગ લાગવાથી "મોટા પ્રમાણમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો" જેના કારણે 16000થી વધુ ઘરો વીજળી વગરના થઈ ગયા.
બ્રિટિશ મીડિયા અનુસાર, 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે તેણે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને તૈનાત કર્યા છે અને 200 મીટરનો સલામતી ઝોન અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ સબસ્ટેશન લંડન બરોના હિલિંગ્ડનના હેયસમાં આવેલું છે. ધુમાડાને કારણે સ્થાનિક રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને દરવાજા અને બારીઓ બંધ રાખવા કહેવામાં આવ્યું છે.
"એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં આગ લાગવાથી હીથ્રો ખાતે વીજળી ગુલ થઈ ગઈ છે. અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી માટે, હીથ્રો 21 માર્ચે રાત્રે 11.59 વાગ્યા સુધી બંધ રહેશે," એરપોર્ટે જણાવ્યું હતું.






