'જમીની યુદ્ધમાં નહીં ઉતરે ઇઝરાયેલી સેના', ઈરાન યુદ્ધમાં એકલું પડ્યું અમેરિકા!

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, જો અમેરિકા ઈરાન વિરુદ્ધ જમીની સૈન્ય કાર્યવાહી શરૂ કરશે તો ઈઝરાયલના સૈનિકો તેમાં સીધી રીતે ભાગ લેશે નહીં. ખાસ કરીને ઈઝરાયલના મીડિયા રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઈરાનમાં 'ગ્રાઉન્ડ બૂટિંગ' એટલે કે સૈનિકો ઉતારવાની તૈયારી કરી રહ્યા હોય, પરંતુ નેતન્યાહૂની સેના આ મિશનમાં અમેરિકાની સાથે જમીન પર ઉતરશે નહીં. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે આ જોખમી મિશનમાં અમેરિકાએ એકલા જ આગળ વધવું પડી શકે છે.
ઈરાન સામેના સીધા યુદ્ધથી બચવાની નીતિ
નિષ્ણાતોના મતે, ઈઝરાયલનું આ વલણ વ્યૂહાત્મક કારણોસર હોઈ શકે છે. જો ઈઝરાયલ સીધું જ આ જમીની યુદ્ધમાં ઝંપલાવે, તો સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ અત્યંત ભયાનક થઈ શકે છે. આ ઉપરાંત, ઈઝરાયલ હાલમાં પોતાની આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે, તેથી તે ઈરાન જેવા મજબૂત દેશ સામેના મોટા યુદ્ધમાં સીધી રીતે સામેલ થવાનું ટાળી રહ્યું છે. જોકે, એ હજુ સ્પષ્ટ નથી થયું કે ઈઝરાયલ સૈન્ય મદદ સિવાય અન્ય કોઈ રીતે, જેમ કે ગુપ્ત માહિતી કે ટેકનિકલ સહયોગ દ્વારા અમેરિકાને મદદ કરશે કે કેમ.
પેન્ટાગોન દ્વારા જમીની હુમલાના વિકલ્પોની તૈયારી
બીજી તરફ, અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાના સૈનિકો, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરીને દબાણ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. પેન્ટાગોને ઈરાન વિરુદ્ધ સંભવિત જમીની કામગીરી માટેના વિવિધ વિકલ્પો પર કામ શરૂ કરી દીધું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકન વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી સૈનિકો ઉતારવા અંગેનો કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ મોટા સહયોગી વિના ઈરાન જેવા દેશમાં જમીની યુદ્ધ લડવું અમેરિકા માટે સૈન્ય અને રાજકીય એમ બંને સ્તરે મોટું જોખમ સાબિત થઈ શકે છે.

