ઇરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના મોતમાં મોસાદનો હાથ? આરોપો પર પ્રથમ વખત ઇઝરાયેલે આપ્યો જવાબ
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં મોત થયા બાદ ઇઝરાયેલનું નામ

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં મોત થયા બાદ ઇઝરાયેલનું નામ ચર્ચામાં છે. ઇરાનની પોતાની તપાસમાં સામે આવ્યું કે ઇબ્રાહિમ રઇસીનું મોત વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે થયું છે અને હેલિકૉપ્ટર ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ કરી શક્યું નહતું. સોશિયલ મીડિયા સહિત તમામ પ્લેટફોર્મ પર અલગ અલગ થિયરી લોકો આપી રહ્યા છે અને કહેવામાં આવે છે કે ઇરાનના રાષ્ટ્રપતિના મોત પાછળ ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદનો હાથ છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થઇ હતી અને બન્નેએ એક બીજા પર એર સ્ટ્રાઇક કરી હતી.
ઇઝરાયેલે કરી સ્પષ્ટતા
ઇઝરાયેલે હવે ખુદ પર લાગી રહેલા આરોપો પર પ્રતિક્રિયા આપી છે. ઇઝરાયેલના એક અધિકારીએ કહ્યું કે ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં થયેલા મોતમાં અમારો કોઇ હાથ નથી. ઇઝરાયેલનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે આરોપ લાગતા હતા કે મોસાદની તેમાં ભૂમિકા હોઇ શકે છે. રઇસીની સાથે વિદેશ મંત્રી હુસેન આમિર અબ્દુલ્લાહિયાન અને 6 અન્ય લોકો પણ માર્યા ગયા છે. ઇઝરાયેલના એક અધિકારીએ કહ્યું કે, આ ઘટનામાં અમારી કોઇ ભૂમિકા નથી.
અઝરબૈજાનની સરહદ પાસે ઇરાનના પહાડી વિસ્તારમાં રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ થયુ હતું. કલાકો ચાલેલા મિશન બાદ સોમવાર સવારે ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રીનો શબ મળ્યો હતો. તે બાદ ઇરાને રઇસીના મોતની ઓફિશિયલ જાહેરાત કરી હતી. ઇબ્રાહિમ રઇસીનું મોત એવા સમયે થયુ છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી તેનો અમેરિકા સાથે ટકરાવ ચાલતો હતો. આ સિવાય ઇઝરાયેલ સાથે પણ સબંધ ખરાબ છે અને બન્ને દેશો વચ્ચે એરસ્ટ્રાઇક થઇ ચુકી છે.
ઇરાન પર આરોપ લાગે છે કે તે ઇઝરાયેલ પર હુમલો કરનારા હમાસને સમર્થન આપે છે. આ સિવાય લેબેનોનમાં સક્રિય હિજબુલ્લાહને પણ ઇરાન સમર્થક માનવામાં આવે છે. હિજબુલ્લાએ પણ ઇઝરાયેલ પર હુમલા કર્યા છે.








