VIDEO: ઈરાનનો અમેરિકન એરક્રાફ્ટ કેરિયર "અબ્રાહમ લિંકન" પર ડ્રોન હુમલો, નુકસાન પહોંચાડ્યાનો કર્યો મોટો દાવો!
ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે તેજ બની રહ્યું છે. અમેરિકા અને ઈરાન બંને તરફથી સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અમેરિકી વિમાનવાહક જહાજ 'USS અબ્રાહમ લિંકન' ને નુકસાન પહોંચ્યું છે. જોકે, ઈરાનના આ દાવા અંગે અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
IRGC એ શુક્રવારે વહેલી સવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન અમેરિકી નૌકાદળના આ વિમાનવાહક જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે, નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જહાજને કેટલું નુકસાન થયું છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે હુમલો કરવામાં આવ્યો છે જેમાં નુકસાન થયું છે.
અમેરિકાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી
ઈરાનના દાવા અંગે અમેરિકી સેના તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે અમેરિકા ઈરાનના આ દાવા પર શું પ્રતિક્રિયા આપે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધને લગભગ 15 દિવસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ આ જંગ શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે.
ન્યુક્લિયર પાવરથી ચાલે છે USS અબ્રાહમ
USS અબ્રાહમ લિંકન એ પરમાણુ ઉર્જાથી ચાલતું Nimitz-class એરક્રાફ્ટ કેરિયર છે, જેનો ઉપયોગ મુખ્યત્વે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય અભિયાનો માટે કરવામાં આવે છે. તેને 'ચાલતો-ફરતો કિલ્લો' પણ કહેવામાં આવે છે.
કેવું છે USS અબ્રાહમ લિંકન?
USS અબ્રાહમ લિંકન અમેરિકાનું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ છે. તેનું વજન 1,00,000 ટન થી પણ વધુ છે અને તે લગભગ 1,100 ફૂટ લાંબુ છે. આ જ કારણ છે કે તેની સુરક્ષા અભેદ માનવામાં આવે છે. અમેરિકાએ જ્યારે ઈરાન પર હુમલાની શરૂઆત કરી ત્યારે આ જહાજનો ઉપયોગ કર્યો હતો. તે એર ઓપરેશન માટે મેઈન કમાન્ડ સેન્ટર અને લોન્ચ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, USS અબ્રાહમ લિંકનના કાફલામાં લગભગ 5,700 થી 6,000 જેટલા સૈન્ય કર્મીઓ તૈનાત હોય છે.

