નેતન્યાહૂની હત્યાનો પ્લાન, ઇરાને ઇઝરાયેલના બિઝનેસમેનને જ સોપ્યું હતું કામ; આ રીતે થયો ખુલાસો
ઇઝરાયેલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત કેટલાક મોટા નામની હત્યાના ષડયંત્રના આરોપમાં એક ઇઝરાયેલી વ્યક્તિની ધરપકડ કરી છ

ઇઝરાયેલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત કેટલાક મોટા નામની હત્યાના ષડયંત્રના આરોપમાં એક ઇઝરાયેલી વ્યક્તિની ધરપકડ કરી છે. ઇઝરાયેલની સુરક્ષા વ્યવસ્થાએ આ જાણકારી આપી છે. ઇરાને ઇઝરાયેલના વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને શિન બેટના પ્રમુખની હત્યા માટે ભરતી કરી હતી. શિન બેટ અને પોલીસ તરફથી નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે.
શંકાસ્પદને બે વખત તસ્કરી કરીને ઇરાન લાવવામાં આવ્યો હતો અને તેને મિશન માટે પૈસા પણ મળ્યા હતા. જોકે, શંકાસ્પદનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, શિન બેટ અને પોલીસ તપાસમાં ખબર પડી છે કે યહુદી નાગરિક એક વેપારી છે, જે બિઝનેસને કારણે લાંબા સમયથી તુર્કીમાં રહેતો હતો. ત્યાં તેને તુર્કી અને ઇરાનના નાગરિકો સાથે સંબંધ હતા.
આ રીતે થયું પ્લાનિંગ
શિન બેટે કહ્યું કે એપ્રિલ 2024માં શંકાસ્પદ ઇરાનમાં રહેનારા બિઝનેસમેન એડી સાથે મુલાકાત માટે તૈયાર થઇ ગયો હતો. આ મુલાકાત બે તુર્કીના નાગરિક આંદ્રે ફારૂખ અસલાન અને જુનેદ અસલાન દ્વારા થઇ હતી. ઇઝરાયેલી મીડિયાએ શિન બેટના હવાલાથી લખ્યુ કે શંકાસ્પદ તુર્કીના સામનદાગ પહોંચ્યો હતો જ્યાં તેની મુલાકાત ઇરાની બિઝનેસમેનના બે પ્રતિનિધિઓ સાથે થઇ હતી.
શિન બેટે જાણકારી આપી છે કે મે 2024માં શંકાસ્પદ આંદ્રે, જુનેદ અને એડીના બે પ્રતિનિધિઓને મળવા માટે તુર્કી ગયો હતો. સમાચાર છે કે ઇઝરાયેલી વ્યક્તિને તુર્કીના વાન શહેર દ્વારા ઇરાન પહોંચાડવામાં આવ્યો હતો.
ઇરાનમાં શું થયું?
રિપોર્ટ અનુસાર, ઇરાનમાં ઇઝરાયેલી નાગરિકની એડી અને ખ્વાજા નામના શખ્સ સાથે મુલાકાત થઇ હતી, જે ખુદને ઇરાનના સુરક્ષા દળનો સભ્ય ગણાવતો હતો. તપાસમાં એમ પણ ખબર પડી કે શંકાસ્પદે ઇરાને એડીના ઘર પર થયેલી મુલાકાતમાં ખુદને ઇઝરાયેલી નાગરિક ગણાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, એડીએ ઇઝરાયેલના શંકાસ્પદને એમ જણાવ્યું હતું કે તે ઇરાન માટે ઇઝરાયેલમાં કેટલાક મિશનને અંજામ આપે છે.
કેટલાક લોકોને મારવાનું ષડયંત્ર
ઇઝરાયેલની સુરક્ષા એજન્સીનું કહેવું છે કે એડીના ઘરે ઇઝરાયેલીની મુલાકાત ઇરાનના જાસુસી અધિકારીઓ સાથે થઇ હતી, તેમણે તેને નેતન્યાહૂ, સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલાંટ અને શિન બેટ ચીફ રોનેન બાર પર હુમલો કરવા કહ્યું હતું. રિપોર્ટ અનુસાર, તપાસમાં ખબર પડી કે ઇરાનના જાસુસી અધિકારી પૂર્વ પીએમ નફ્તાલી બેનેટ સહિત કેટલાક સીનિયર અધિકારીઓને પણ મારવાનું પ્લાનિંગ કરતા હતા.
રિપોર્ટ અનુસાર, તપાસમાં સામે આવ્યું કે ઇઝરાયેલીએ કોઇ પણ કામ પહેલા 1 મિલિયન ડૉલરની માંગ કરી હતી. શિન બેટનું કહેવું છે કે તે બાદ ઇઝરાયેલી શંકાસ્પદે આગામી દિવસે ઇરાની અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જ્યાં ઇઝરાયેલના સીનિયર અધિકારીઓને મારવાની યોજના પર ચર્ચા થઇ હતી. તપાસમાં ખબર પડી કે ઇઝરાયેલી શખ્સે ઇઝરાયેલમાં કેટલાક અન્ય સ્થળો પર ઇરાન માટે કામ કરતા લોકો માટે પૈસા મુક્યા હતા.
શિન બેટે જણાવ્યું કે બેઠક દરમિયાન ઇરાની અધિકારીઓએ ઇઝરાયેલના વ્યક્તિની એક મિલિયન ડૉલરની વાતનો ઇનકાર કરી દીધો હતો અને ભવિષ્યમાં સંપર્ક સાધવાની વાત કરી હતી. રિપોર્ટ અનુસાર, તપાસમાં ખબર પડી કે બીજી વખત ઇરાન છોડ્યા પહેલા ઇઝરાયેલીને બેઠકમાં સામેલ થવા માટે 5 હજાર યૂરો આપવામાં આવ્યા હતા.








