નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઇમરાન ખાનના નામની ચર્ચા, આ સંગઠને તેમને કર્યા નોમિનેટ
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શાંતિ નોબલ પુરસ્કાર આપ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શાંતિ નોબલ પુરસ્કાર આપવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) અને નૉર્વેજિયમ રાજકીય પાર્ટી સેન્ટ્રમ (CPN)એ માનવાધિકારો અને લોકશાહી પ્રત્યે યોગદાન બદલ ઈમરાનનું નામ પુરસ્કાર માટે નોમિનેટ કર્યું છે.
ઈમરાનનું નામ નોમિનેટ કરાયું
પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ એક વકીલાત જૂથ છે અને તેની સ્થાપના ડિસેમ્બર-2023માં કરવામાં આવી હતી. આ સંગઠન નોર્વેની રાજકીય પાર્ટી સેન્ટ્રલ સાથે જોડાયેલું છે. સેન્ટ્રલ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુરસ્કાર અંગે પુષ્ટી કરી છે. પાર્ટીએ કહ્યું કે, ઈમરાન ખાને માનવાધિકારો અને લોકશાહીમાં શ્રેષ્ઠ કાર્યો કર્યા હોવાથી તેમને નોમિનેટ કરવામાં આવ્યા છે.
અગાઉ પણ શાંતિ નોબલ પુરસ્કાર માટે નામ મોકલાયું હતું
ઈમરાન ખાને અગાઉ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાની દિશામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે તેમને 2019માં શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, નોર્વેજિયમ નોબેલ સમિતિને દર વર્ષે સેંકડો નોમિનેશન મળે છે. ત્યારબાદ આઠ મહિનાની લાંબી પ્રક્રિયા બાદ વિજેતાનો નિર્ણય, પછી ઓક્ટોબરમાં પુરસ્કારની જાહેરાત અને ડિસેમ્બર-2025માં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
ઈમરાન ખાન 2023થી જેલમાં બંધ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન ઓગસ્ટ-2023થી જેલમાં બંધ છે. જાન્યુઆરી-2024માં તેમના પર સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, જેના કારણે તેમને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એટલું જ નહીં સરકારી ભેટોનું વેચાણ, સરકારી રહસ્યો લીક કરવા અને ગેરકાયદે લગ્ન સંબંધિત ત્રણ અન્ય કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આ સજાઓને પલટાવી દીધી છે અથવા તો સસ્પેન્ડ કરી દીધી છે. એપ્રિલ-2022માં અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી.








