‘રાજકારણ ન હોત તો સારા મિત્રો હોત’: બાઇડને ટ્રમ્પ સાથેની ખાનગી મુલાકાતનો કર્યો ખુલાસો

‘રાજકારણ ન હોત તો સારા મિત્રો હોત’: બાઇડને ટ્રમ્પ સાથેની ખાનગી મુલાકાતનો કર્યો ખુલાસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના આગામી સંસ્મરણો (Memoir) ‘પ્રોમિસ મી, અમેરિકા’ (Promise Me, America)માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની એક રસપ્રદ મુલાકાતનો ખુલાસો કર્યો છે. બાઇડનના જણાવ્યા અનુસાર, 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ટ્રમ્પે તેમને કહ્યું હતું કે, “જો રાજકારણ વચ્ચે ન હોત તો મને લાગે છે કે આપણે સારા મિત્રો હોત.” ટ્રમ્પના આ શબ્દોથી બાઇડન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ટ્રમ્પના પત્રમાં પણ જોવા મળી હતી પ્રશંસા

બાઇડને પોતાના 480 પાનાના સંસ્મરણોમાં ટ્રમ્પ સાથેના સંબંધોના વિવિધ પાસાં રજૂ કર્યા છે. તેમણે લખ્યું છે કે 20 જાન્યુઆરી, 2021ના રોજ જ્યારે તેઓ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી રહ્યા હતા, ત્યારે તેમને ટ્રમ્પનો એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં ટ્રમ્પે કેટલાક પ્રશંસાત્મક શબ્દો લખ્યા હતા. બાઇડનના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રચાર દરમિયાન બંને વચ્ચે થયેલા આકરા રાજકીય હુમલાઓની સરખામણીએ ટ્રમ્પના પત્રનો સ્વર આશ્ચર્યજનક રીતે સૌમ્ય હતો. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, “એવું લાગતું હતું જાણે બે અલગ-અલગ ડોનાલ્ડ ટ્રમ્પ હોય.” ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 2021માં બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી નહોતી. તેઓ 150 વર્ષથી વધુ સમયમાં પોતાના અનુગામીના શપથગ્રહણમાં ગેરહાજર રહેનારા પ્રથમ નિવર્તમાન રાષ્ટ્રપતિ બન્યા હતા.

જાહેરાત

2024ની ચૂંટણી બાદ ઓવલ ઓફિસમાં મુલાકાત

બાઇડને પુસ્તકમાં 2024ની ચૂંટણી બાદ ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે રાજકારણ ન હોત તો બંને સારા મિત્રો બની શક્યા હોત. ટ્રમ્પે આગળ એમ પણ કહ્યું હતું કે જો રાજકારણ વચ્ચે ન આવતું હોત તો તેઓ બંને સાથે ગોલ્ફ રમવામાં સમય પસાર કરતા. બાઇડને ટ્રમ્પની આ વાતને જૂના મિત્ર તરફથી આવેલા સંદેશ જેવી ગણાવી છે. જોકે, પુસ્તકમાં તેમણે ટ્રમ્પના રાજકીય વલણ અને અગાઉના વર્તનની આકરી ટીકા પણ કરી છે.

2020ની ચૂંટણી અને કેપિટોલ હિંસા અંગે ટ્રમ્પની ટીકા

બાઇડને પોતાના સંસ્મરણોની શરૂઆત જ ટ્રમ્પ પર ગંભીર આરોપો સાથે કરી છે. તેમણે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરવા અને 6 જાન્યુઆરી, 2021ના રોજ અમેરિકી કેપિટોલમાં થયેલી હિંસામાં ટ્રમ્પની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા છે. બાઇડને આ ઘટનાને અમેરિકાના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી સૌથી ગંભીર ફરજચૂકમાંની એક ગણાવી છે. આમ, એક તરફ તેમણે ટ્રમ્પના અંગત સંદેશના સૌમ્ય સ્વરનો ઉલ્લેખ કર્યો છે, તો બીજી તરફ તેમના રાજકીય વર્તનની આકરી ટીકા પણ કરી છે.

ચૂંટણીમાંથી ખસી જવાના નિર્ણયનો પણ ઉલ્લેખ

બાઇડેને 2024માં બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાના પોતાના નિર્ણયનો પણ બચાવ કર્યો છે. તેમણે લખ્યું છે કે તે સમયે તેમને પોતાની કાર્યક્ષમતા અંગે શંકા નહોતી અને ડેમોક્રેટિક પાર્ટી પાસે તેમના કરતાં વધુ સારો ઉમેદવાર હોવાનું પણ તેમને લાગતું નહોતું. જોકે, જૂન 2024માં ટ્રમ્પ સાથેની ટેલિવિઝન ડિબેટ દરમિયાન તેમનું પ્રદર્શન નબળું રહ્યું હતું. બાઇડેને સ્વીકાર્યું છે કે ડિબેટ દરમિયાન તેઓ વિચારોની કડી ગુમાવી બેઠા હતા અને એક જગ્યાએ ખોટા શબ્દો બોલી ગયા હતા. આ ઘટનાને પગલે ડેમોક્રેટિક પાર્ટીમાં તેમની ઉમેદવારી અંગે ચર્ચા તેજ બની હતી. તેમણે જણાવ્યું કે નેન્સી પેલોસી અને ચક શૂમર સહિતના પક્ષના નેતાઓએ તેમને ચૂંટણીમાંથી ખસી જવા માટે સમજાવ્યા હતા. અંતે બાઇડેને ઉમેદવારી પાછી ખેંચી અને કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તક મળી હતી. આ સંસ્મરણોમાં બાઇડેને પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ, કોરોના મહામારીનો સામનો, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેના મતભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત