VIDEO : 'લશ્કરી વડાના શરીરના ચીંથરા ઉડ્યા, ખામેનેઈના જમાઈના માથાના બે ફાડિયા'; હુમલાની મહત્ત્વની વાતનો ઓડિયો લીક
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ અમેરિકા -ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માંડ માંડ બચી ગયા હતા. આ હુમલામાં તેમના પિતા અને પરિવારના અન્ય સભ્યોનું મોત થયું હતું.એક લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગ મુજબ મોજતબા વિસ્ફોટ થયાના થોડી મિનિટો પહેલા જ કોઈ કામ માટે કમ્પાઉન્ડ છોડીને બહાર ગયા હતા. આ સમયે હુમલો થતા તેઓનો આબાદ બચાવ થયો હતો. લીક થયેલા ઓડિયોમાં હુમલા સંબંધિત ઘણી અન્ય મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.
લીક થયેલ રેકોર્ડિંગ
લીક થયેલ રેકોર્ડિંગ સ્વર્ગસ્થ આયાતુલ્લા અલી ખામેનેઈના કાર્યાલયમાં એક વરિષ્ઠ અધિકારીને આભારી છે. જેઓએ 28 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા અંગેની સંપૂર્ણ અહેવાલ અન્ય સભ્યોને આપ્યો હતો. આ ઘટનામાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, તેમના પરિવારના ઘણા સભ્યો અને ઈરાની ઇસ્લામિક શાસનના અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ રેકોર્ડિંગ કોનું છે?
અહેવાલમાં જણાવાયું છે કે, આ રેકોર્ડિંગ અલી ખામેનેઈના કાર્યાલયના ચીફ ઓફ પ્રોટોકોલ મઝાહેર હુસેનીનું છે. તેઓ 12 માર્ચે તેહરાનમાં યોજાયેલી એક બેઠક દરમિયાન બોલી રહ્યા હતા. અહેવાલ મુજબ ખામેનેઈના આવાસ ઉપર હુમલો સ્થાનિક સમય મુજબ સવારે 9:32 વાગ્યે થયો હતો. હુસેનીના જણાવ્યા મુજબ હુમલામાં મોજતબાને ફક્ત પગમાં નાની ઇજાઓ થઈ હતી, જ્યારે તેમની પત્ની, ઝહરા હદ્દાદ-અદેલ અને તેમના પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અન્ય વિગતોનો ઉલ્લેખ
અલી ખામેનીના બીજા પુત્ર મુસ્તફા ખામેની પણ હુમલા સમયે આસપાસમાં હાજર હતા, પરંતુ તેઓ અને તેમની પત્નીને કોઈ જાતની ઈજા થઈ નથી. હુસેનીએ જણાવ્યું હતું કે હુમલો એટલો વિનાશક હતો કે ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ શિરાઝીના શરીરના ચિંથરે ચીંથરા ઉડી ગયા હતા. માત્ર થોડા કિલો માંસના ટુકડાથી તેમની ઓળખ થઈ છે. રેકોર્ડિંગમાં કમ્પાઉન્ડની અંદર હાજર અન્ય વ્યક્તિઓના મૃત્યુનો પણ ઉલ્લેખ છે, જેમાં અલી ખામેનીના જમાઈ, મિસ્બાહ અલ-હુદા બાગેરી કાનીનો સમાવેશ થાય છે. હુમલા દરમિયાન તેમના માથાના બે ફાડિયા થઈ ગયા હતા. આ હુમલાઓ ઓફિસ સંકુલના અનેક ભાગોમાં એકસાથે કરવામાં આવ્યા હતા, જેમાં ખામેની પરિવારના અનેક સભ્યો સાથે જોડાયેલી રહેણાંક ઇમારતોનો પણ સમાવેશ થાય છે.

