Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Horrific incident: Several people kidnapped in Nigeria, 30 villagers killed

ભયાનક ઘટના: નાઈજીરિયામાં અનેક લોકોનું અપહરણ, 30 ગ્રામજનોને ઉતારી દેવાયા મોતને ઘાટ

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ભયાનક ઘટના: નાઈજીરિયામાં અનેક લોકોનું અપહરણ, 30 ગ્રામજનોને ઉતારી દેવાયા મોતને ઘાટ
સોર્સ : GSTV

નાઈજીરિયાના ઉત્તરી નાઈજર રાજ્યમાં હિંસા અને અસુરક્ષાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. ભારે હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ એક ગામ પર હુમલો કરી ઓછામાં ઓછા 30 ગ્રામજનોને મોતને ઘાટ ઉતારી દીધા છે, જ્યારે અનેક લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી ગુનાખોરી અને સશસ્ત્ર જૂથોની હિંસા ચાલી રહી છે.

App Store

કસુવાન-દાજી ગામમાં થયો ગોળીબાર

મીડિયા રિપોર્ટ મુજબ, આ હુમલો શનિવારે સાંજે નાઈજર રાજ્યના બોરગુ સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા કસુવાન-દાજી ગામમાં થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો અચાનક ગામમાં ત્રાટક્યા હતા અને રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જીવ બચાવવા માટે લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા, પરંતુ આતંકીઓએ કોઈને છોડ્યા નહોતા.

ભીષણ આગજનીમાં ગામમાં ભારે તબાહી સર્જાઈ

હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહીં, પણ ગામના સ્થાનિક બજાર અને અનેક ઘરોને પણ આગ લગાડી દીધી હતી. આ ભીષણ આગજનીમાં ગામમાં ભારે તબાહી સર્જાઈ છે અને અનેક પરિવારો બેઘર થઈ ગયા છે. હુમલા બાદ આખા ગામમાં માત્ર ધુમાડો અને બળી ગયેલી ઇમારતોના અવશેષો જ જોવા મળી રહ્યા છે.

અપહરણ કરાયેલા લોકોની શોધખોળ

નાઈજર રાજ્ય પોલીસના પ્રવક્તા વાસિયુ અબિયોદુને જણાવ્યું કે, સુરક્ષા દળોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને અપહરણ કરાયેલા લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ કરાયું છે. જોકે, સ્થાનિક ગ્રામજનોએ પોલીસના આ દાવાઓને પોકળ ગણાવ્યા છે. લોકોનો આરોપ છે કે રવિવાર સુધી ગામમાં કોઈ સુરક્ષા બળ પહોંચ્યું નહોતું અને હુમલા બાદ તેમને અસહાય છોડી દેવામાં આવ્યા હતા.

મૃત્યુઆંક વધવાની આશંકા 

પોલીસે અત્યાર સુધીમાં 30 લોકોના મોતના સમાચારને પુષ્ટિ આપી છે, પરંતુ સ્થાનિકોના મતે આ આંકડો 37થી વધુ હોઈ શકે છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે. અપહરણ કરાયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હોવાની આશંકા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.