હિમનદી તળાવો ફાટવાની ઘટનાઓમાં સૌથી વધુ મોત ભારતમાં; ચીન અને પાકિસ્તાનમાં ઘટનાઓ વધુ પણ મૃત્યુઆંક ઓછો

યુનાઈટેડ નેશન્સ (UN) ના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલા એક વિજ્ઞાનીઓના અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હિંદુકુશ હિમાલય (HKH) ક્ષેત્રમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) એટલે કે હિમનદીની તળાવ ફાટવાની ઘટનાઓમાં સૌથી વધુ મોત ભારતમાં નોંધાયા છે. 1835 થી 2025 સુધીના આંકડાઓના વિશ્લેષણ પર આધારિત આ રિપોર્ટ મુજબ, GLOFની કુલ ઘટનાઓની સંખ્યામાં ભારત 62 ઘટનાઓ સાથે 8 દેશોમાં ત્રીજા સ્થાને છે, પરંતુ માનવ જાનહાનિના મામલે તે સમગ્ર ક્ષેત્રમાં ટોચ પર છે. ભારતમાં આવી હોનારતોને કારણે 6119 લોકોના મોત થયા છે, જે અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ છે.
ચીન અને પાકિસ્તાનમાં વધુ ઘટનાઓ, પણ જાનહાનિ ઓછી
અભ્યાસ અનુસાર, હિંદુકુશ હિમાલય ક્ષેત્રમાં GLOFની સૌથી વધુ 199 ઘટનાઓ ચીનમાં અને 152 ઘટનાઓ પાકિસ્તાનમાં બની છે. ચીનમાં 625 અને પાકિસ્તાનમાં 1991 લોકોના મોત થયા છે, જ્યારે નેપાળમાં 58 ઘટનાઓ નોંધાઈ છે. યુએન યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિક્યુરિટી (UNU-EHS) ના મુખ્ય લેખક અને વિજ્ઞાની દિપેશ છાપાગાઈં જણાવે છે કે 1950 પછી વાતાવરણમાં ફેરફારના કારણે GLOFની ઘટનાઓમાં ઝડપી વધારો થયો છે. 1950 પછી દર દાયકે સરેરાશ 34 જેટલી GLOF ની ઘટનાઓ બની છે, જે અગાઉના દાયકાઓ કરતાં 5 ગણી વધુ છે.
હિમસ્ખલન અને ભારે વરસાદ મુખ્ય ટ્રિગર
આ રિપોર્ટ દર્શાવે છે કે GLOFની લગભગ 50% ઘટનાઓ માટે બરફના હિમસ્ખલન (Avalanche) જવાબદાર રહ્યા છે, જ્યારે 25% કિસ્સામાં અતિભારે વરસાદ મુખ્ય ટ્રિગર રહ્યો છે. સમગ્ર ક્ષેત્રમાં બનતી 70% ઘટનાઓ ચોમાસાના ઉનાળુ મહિનાઓમાં થાય છે જ્યારે તાપમાન અને વરસાદ બંને ચરમસીમા પર હોય છે. પહાડી વિસ્તારોમાં બરફ અને કાંકરા-પથ્થરોના કુદરતી બંધથી બનેલી તળાવો પર પાણીનું દબાણ વધતાં તે અચાનક તૂટી પડે છે અને નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર સર્જે છે.
સુરક્ષા વ્યવસ્થા અને અનુકૂલન પર ઉઠ્યા સવાલો
અભ્યાસમાં ભારતમાં GLOF સામેના પૂરતા બચાવ અને સુરક્ષાના ઉપાયોનો અભાવ હોવાનો ઉલ્લેખ કરાયો છે. ઘટનાઓ ઓછી હોવા છતાં ભારતમાં મોજનો આંકડો ઊંચો હોવાનું મુખ્ય કારણ નબળું વ્યવસ્થાપન અને ઊંચી વસ્તી ઘનતા છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે 2023 માં સિક્કિમ અને બંગાળની તીસ્તા નદીનું પૂર તથા 2025 ની ચમૌલી ઘટના પછી પણ યોગ્ય સબક લેવામાં આવ્યો નથી. જો ગ્લેશિયર ક્ષેત્રમાં આગોતરા પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ છે.

