પોલીસ એલર્ટ હોત તો ટ્રમ્પ પર હુમલો જ ના થાત: રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ટ્રમ્પને એક હુમલાખોરે ગોળી મારી જેને સિક્રેટ સર્વિસ સ્નાઈપરે તાત્કાલિક ઠાર કરી દીધો હતો. પરંતુ હવે ટ્રમ્પની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યાં છે. ઘણાં પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેઓએ ત્રણથી ચાર મિનિટ પહેલા જ ટ્રમ્પના હુમલાખોર અંગે સિક્રેટ સર્વિસને જાણકારી આપી દીધી હતી.
પ્રત્યક્ષદર્શીઓનો ચોંકાવનારો દાવો
એક પ્રત્યક્ષદર્શીએ આ મામલે જણાવ્યું કે ‘મેં હુમલાખોરને એક ઈમારત પર ચઢતો જોયો હતો. થોડીવાર બાદ બંદૂકધારી એવી સ્થિતિમાં હતો કે, તે પાંચ વખત ટ્રમ્પ પર ગોળી ચલાવી શક્યો હોત. જો કે આ હુમલા પછી સિક્રેટ સર્વિસે હુમલાખોરને માથામાં ગોળી મારી દીધી હતી, પરંતુ ટ્રમ્પની રેલીમાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ? આ ઘટનામાં એક સામાન્ય નાગરિકનું પણ મોત થઈ ગયું છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, મેં પોલીસને હુમલાખોર વિશે જણાવ્યું હતું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે ટ્રમ્પ હજુ પણ કેમ ભાષણ આપી રહ્યા છે. સિક્રેટ સર્વિસે તેમને સ્ટેજ પરથી કેમ ન ઉતાર્યા? ત્યારબાદ તો પાંચ ગોળી ચલાવવામાં આવી.’
પોલીસ એલર્ટ હોત તો હુમલો જ ના થાત
ફાયરિંગ થતાં જ સિક્રેટ સર્વિસે ટ્રમ્પને ઘેરી લીધા અને તેમને દૂર લઈ જવામાં આવ્યા. ટ્રમ્પના ચહેરા પર લોહી વહી રહ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે ‘તેમના કાન પર ગોળી વાગી છે. બંદૂકધારી ટ્રમ્પથી લગભગ 120 મીટર દૂર હતો. હવે સવાલ એ છે કે એક વ્યક્તિ રાઈફલ લઈને ટ્રમ્પની આટલી નજીક કેવી રીતે પહોંચ્યો?’ અનેક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે, ‘જ્યારે મેં પોલીસને હુમલાખોર વિશે જણાવ્યું તો તેમણે કંઈ ન કર્યું. જો પોલીસ એલર્ટ રહી હોત તો હુમલો ટાળી શકાયો હોત.’
આ ઘટના સુરક્ષામાં ખૂબ મોટી ચૂક
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે, ‘અમે અમારી નજીકની બિલ્ડિંગ પર એક વ્યક્તિને ચઢતી જોઈ હતી. તેની પાસે એક રાઈફલ હતી અને તે પણ અમે જોઈ હતી. અમે તેની તરફ ઈશારો કરી રહ્યા હતા અને પોલીસ નીચે જમીન પર આમતેમ ભાગી રહી હતી. અમે કહી રહ્યા હતા કે છત પર એક વ્યક્તિ રાઇફલ સાથે છે અને પોલીસને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. જો કે, કદાચ છતના ઢાળને કારણે હુમલાખોર નજરે ના પડ્યો હોય, પરંતુ છત પર સિક્રેટ સર્વિસ કેમ ન હતી. આ 100% સુરક્ષાની ચૂક છે.’








