Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Global Energy Crisis: 1 Billion Barrels of Crude Oil Vanish Amid US-Iran Conflict

વૈશ્વિક તેલ બજારમાંથી 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ! ટ્રમ્પે આપી ભયાનક મહામંદીની ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વૈશ્વિક તેલ બજારમાંથી 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ!  ટ્રમ્પે આપી ભયાનક મહામંદીની ચેતવણી
સોર્સ : gstv

Hormuz Strait Reopen News: અમેરિકા અને ઈરાન વચ્ચે આ સપ્તાહે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ ભલે વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો હોય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરી ખોલી દેવામાં આવી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ રાહત માત્ર ક્ષણિક સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે ઊર્જા સંકટ હજુ ટળ્યું નથી અને વૈશ્વિક બજાર માટે ભારે મોડું થઈ ચૂક્યું છે. એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના તાજા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં છેલ્લા 4 મહિનાથી તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ હોવાના કારણે દુનિયાભરના બજારોમાંથી 1.15 અબજ બેરલ કાચું તેલ ગાયબ થઈ ગયું છે. આ ભયંકર અછતે વૈશ્વિક તેલ બજારને એક એવા જોખમી વળાંક પર લાવીને ઊભું રાખ્યું છે જ્યાંથી પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે.

App Store

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ભયાનક આર્થિક મહામંદીની ચેતવણી

હાલમાં અમેરિકાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ છેલ્લા 43 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને દુનિયાભરના કોમર્શિયલ ગોડાઉનો ખાલી થવાની કગાર પર છે. કાચા તેલની આ ભારે અછતને કારણે મહાશક્તિઓના માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. G7 શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકટની ભયાનકતા વિશે વાત કરતા ગંભીર ચેતવણી આપી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "જો તમે અસલી તબાહી અને અફરાતફરી જોવા માંગતા હોવ તો બસ થોડી રાહ જુઓ. આપણી પાસે રહેલો ઇમરજન્સી ઓઇલ સ્ટોક હવે માંડ આગામી 4 સપ્તાહ સુધી ચાલે તેટલો જ બચ્યો છે." તેમણે ચેતવણી આપી કે, જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં સહેજ પણ મોડું થયું હોત, તો વિશ્વએ વર્ષ 1929ની ઐતિહાસિક મહામંદી કરતાં પણ વધુ ભયાનક આર્થિક તબાહી જેવી સ્થિતિ સર્જાઇ હોત. રાજદ્વારી સમજૂતીના સમાચાર વહેતા થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધ દરમિયાન ચઢેલા ક્રૂડ ઓઇલના ભાવ $126.41 થી ઘટીને હાલમાં $80 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે, પરંતુ નિષ્ણાતો આ ઉત્સાહને તદ્દન અસ્થાયી માની રહ્યા છે.

અમેરિકાના ઓઇલ હબ કુશિંગ પર વધ્યું ઓપરેશનલ દબાણ

આ તેલ સંકટની સૌથી સીધી અને ઘાતક અસર અમેરિકાના ઓક્લાહોમા સ્થિત 'કુશિંગ' ઓઇલ હબ પર જોવા મળી રહી છે, જ્યાંથી આખા દેશમાં ઇંધણ પહોંચાડતી પાઇપલાઇનો કાર્યરત છે. હાલમાં કુશિંગ તેના ઓપરેશનલ સ્ટ્રેસ લેવલ એટલે કે એવા નાજુક સ્તરે પહોંચી ગયું છે જ્યાંથી આગળ તેલ સપ્લાય કરવું ટેકનિકલી અશક્ય બને છે. તેને સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે કોફીના વાસણમાં કોફી નળની સપાટીથી નીચે જતી રહે, ત્યારે છેલ્લી બૂંદો મેળવવા માટે આખા વાસણને ત્રાંસું કરવું પડે છે. તે જ રીતે, તેલની વિશાળ ટાંકીઓના તળિયે હવે માત્ર નકામો અને ઘટ્ટ કચરો જ બચ્યો છે. તેલનું સ્તર આટલું નીચે જવાથી પાઇપલાઇન્સમાં જરૂરી પ્રેશર જાળવવું મુશ્કેલ બન્યું છે, જે ગ્રાહકો સુધી ઇંધણ પહોંચાડવામાં મોટો અવરોધ છે.

હોર્મુઝ ખુલ્યા પછી પણ સપ્લાય ચેન સામાન્ય થવામાં નડશે આ 4 પરિબળો

દુનિયાભરના રોકાણકારો અને આમ જનતા એવું માનીને ખુશ થઈ રહ્યા છે કે હોર્મુઝનો રસ્તો સાફ થતાં જ તેલનું સંકટ તાત્કાલિક ઉકેલાઈ જશે, પરંતુ આરબીસી કેપિટલ માર્કેટ્સના કોમોડિટી સ્ટ્રેટેજી હેડ હેલિમા ક્રોફ્ટે બજારના આ ભ્રમને તોડતા કડવી હકીકત સામે રાખી છે. હેલિમા ક્રોફ્ટનું કહેવું છે કે, "બજાર જમીની હકીકત કરતાં સાત ડગલાં આગળ ચાલી રહ્યું છે. સંકટ ખતમ થવાની ઉજવણી થઈ રહી છે પરંતુ જૂની ગતિ પાછી લાવવા માટે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન સામે મોટા પડકારો છે." પાઇપલાઇન અનેપેટ્રોલ પંપો સુધી ફરીથી તેલ પહોંચવામાં મહિનાઓનો સમય કેમ લાગશે, તેના 4 મુખ્ય કારણો છે. જેમાં પ્રથમ યુદ્ધ દરમિયાન હોર્મુઝના પાણીમાં બિછાવેલી દરિયાઈ બારૂદી સુરંગો સાફ કરવામાં લાંબો સમય લાગશે. બીજું, ખાલી પડેલા તેલના વિશાળ જહાજોને ફરીથી આ ખાડી વિસ્તારમાં બોલાવવા અને તેમને કતારમાં ઊભા રાખવા એક જટિલ પ્રક્રિયા છે. ત્રીજું, બંધ પડેલા કુવાઓમાંથી કાચા તેલનું ઉત્પાદન ફરી શરૂ કરવામાં પણ સમય લાગે છે અને ચોથું, તેલ લોડ થયા પછી જહાજોને દુનિયાના અલગ-અલગ ખૂણાઓ સુધી પહોંચવામાં અઠવાડિયાઓનો લાંબો સફર ખેડવો પડે છે.

કાગળ પરના કરારો નહીં પણ વાસ્તવિક તેલ રિફાઇનરી સુધી પહોંચવું જરૂરી

કેપ્લરના એક્સપર્ટ મેટ સ્મિથનું પણ માનવું છે કે આ કરારથી ભલે કિંમતો થોડી નિયંત્રણમાં આવી હોય, પરંતુ આગામી મહિનાઓમાં ગ્રાહકોએ મોંઘા ઇંધણ માટે તૈયાર રહેવું પડશે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના આંકડા અનુસાર, જો દુનિયા પોતાની જરૂરિયાત કરતાં રોજનું 50 લાખ બેરલ વધુ તેલનું ઉત્પાદન કરવા લાગે, તો પણ યુદ્ધ દરમિયાન ગુમાવેલા 1.15 અબજ બેરલ તેલની ભરપાઈ કરવામાં આખું એક વર્ષ લાગી જશે. સાફ છે કે જ્યાં સુધી ફિઝિકલ બેરલ એટલે કે વાસ્તવિક તેલના ડબ્બા રિફાઇનરીઓ સુધી નહીં પહોંચે, ત્યાં સુધી માત્ર કાગળ પરના કરારોથી આ વૈશ્વિક ઊર્જા સંકટ સંપૂર્ણપણે હલ થવાનું નથી.