3 વર્ષ, 71 હજારથી વધુ મોત...ગાઝાથી લેબનોન અને ઈરાન સુધી... 3 વર્ષમાં કેટલું બદલાઈ ગયું ઇઝરાયેલ-હમાસ યુદ્ધ?

7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયેલ પર કરેલા અચાનક હુમલાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ હુમલા બાદ શરૂ થયેલો ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ માત્ર ગાઝા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ ધીમે ધીમે સમગ્ર પશ્ચિમ એશિયા (West Asia) સુધી ફેલાયો છે. ત્રણ વર્ષના યુદ્ધમાં હજારો લોકોનાં મોત, લાખો લોકોનું વિસ્થાપન, શહેરો અને માળખાકીય સુવિધાઓનો વિનાશ તથા બંને પક્ષોની અર્થવ્યવસ્થા પર ભારે અસર જોવા મળી છે.
7 ઓક્ટોબર 2023ના રોજ શું થયું હતું?
7 ઓક્ટોબર 2023ની સવારે યહૂદી ધર્મના મહત્વના તહેવાર સિમ્હત તોરાહના દિવસે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર મોટો અચાનક હુમલો થયો હતો. હમાસ અને અન્ય સશસ્ત્ર જૂથોએ ઇઝરાયેલ તરફ મોટી સંખ્યામાં રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ હુમલાખોરોએ ગાઝા અને ઇઝરાયેલ વચ્ચેની સુરક્ષા વાડને અનેક સ્થળે તોડી જમીન, સમુદ્ર અને હવામાંથી દક્ષિણ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી.
રિપોર્ટ મુજબ, હમાસે શરૂઆતના હુમલામાં લગભગ 3,000 રોકેટ છોડ્યાનો દાવો કર્યો હતો, જ્યારે ઇઝરાયેલની સેનાએ આ સંખ્યા આશરે 2,500 ગણાવી હતી. હુમલાખોરો મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડર અને બોટ દ્વારા પણ ઇઝરાયેલમાં પહોંચ્યા હતા.
ગાઝા સરહદ નજીકના અનેક શહેરો, કિબુત્ઝ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજર લોકો પણ હુમલાનો ભોગ બન્યા હતા. ઇઝરાયેલના અધિકારીઓ અનુસાર, આ હુમલામાં 1,200થી વધુ લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા.
ઇઝરાયેલે કેવી રીતે શરૂ કર્યો જવાબી હુમલો?
હમાસના હુમલાના થોડા કલાકોમાં જ ઇઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગાઝા પર હવાઈ હુમલા શરૂ થયા અને ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં જ ગાઝાની નાકાબંધી (Blockade) વધુ કડક બનાવવામાં આવી.
13 ઓક્ટોબરે ઇઝરાયેલે ઉત્તર ગાઝા અને ગાઝા સિટીના રહેવાસીઓને દક્ષિણ તરફ જવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર છોડીને દક્ષિણ ગાઝા તરફ ગયા હતા.
27 ઓક્ટોબરે ઇઝરાયેલે ગાઝામાં મોટા પાયે જમીની સૈન્ય કાર્યવાહી (Ground Operation) શરૂ કરી હતી. શરૂઆત ઉત્તર ગાઝાથી થઈ અને બાદમાં આ કાર્યવાહી દક્ષિણ તરફ આગળ વધી હતી. ઇઝરાયેલનું કહેવું હતું કે તેનો મુખ્ય હેતુ હમાસની સૈન્ય ક્ષમતા ખતમ કરવી અને બંધકોને પરત લાવવાનો છે.
હમાસના અનેક મોટા નેતાઓ માર્યા ગયા
ત્રણ વર્ષ દરમિયાન ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી દરમિયાન હમાસના રાજકીય અને સૈન્ય નેતૃત્વને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
જાન્યુઆરી 2024માં હમાસના વરિષ્ઠ નેતા સાલેહ અલ-અરુરી બેરૂતમાં માર્યા ગયા હતા. માર્ચ 2024માં હમાસના ડેપ્યુટી મિલિટરી કમાન્ડર મારવાન ઈસાના મોતની જાણ ઇઝરાયેલે કરી હતી.
જુલાઈ 2024માં ઇઝરાયેલે હમાસની સૈન્ય શાખાના વડા મોહમ્મદ દેઇફને મારવાનો દાવો કર્યો હતો, જેની બાદમાં પુષ્ટિ થઈ હતી. આ જ મહિનામાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયા તેહરાનમાં માર્યા ગયા હતા.
ત્યારબાદ 17 ઓક્ટોબર 2024ના રોજ ઇઝરાયેલે હમાસના નેતા યાહ્યા સિનવારના મોતની પુષ્ટિ કરી હતી. સિનવારને 7 ઓક્ટોબરના હુમલાના મુખ્ય આયોજનકારોમાંના એક માનવામાં આવતા હતા.
યુદ્ધ વચ્ચે અનેક વખત થયું યુદ્ધવિરામ
ત્રણ વર્ષના સંઘર્ષ દરમિયાન યુદ્ધ રોકવા અને બંધકોની મુક્તિ માટે અનેક વખત વાટાઘાટો થઈ હતી. નવેમ્બર 2023માં પ્રથમ મોટું યુદ્ધવિરામ (Ceasefire) થયું હતું.
24 નવેમ્બરથી શરૂ થયેલા આ કરાર હેઠળ ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિની કેદીઓની આપ-લે કરવામાં આવી હતી અને ગાઝામાં માનવતાવાદી સહાય (Humanitarian Aid) પહોંચાડવામાં આવી હતી. જોકે, લગભગ એક સપ્તાહ બાદ ફરીથી લડાઈ શરૂ થઈ ગઈ હતી.
19 જાન્યુઆરી 2025ના રોજ લગભગ 15 મહિનાની લડાઈ બાદ વધુ એક યુદ્ધવિરામ લાગુ થયું હતું. તેમાં બંધકોની મુક્તિ અને પેલેસ્ટિની કેદીઓની આપ-લે શરૂ થઈ હતી. જોકે, 2 માર્ચે ગાઝામાં માનવતાવાદી સહાય રોકવામાં આવી અને 18 માર્ચે ઇઝરાયેલે ફરી મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા હતા.
ત્યારબાદ 10 ઓક્ટોબર 2025ના રોજ અમેરિકાની મધ્યસ્થીથી વધુ એક યુદ્ધવિરામ લાગુ થયું હતું. તેના પ્રથમ તબક્કામાં બંધકો અને પેલેસ્ટિની કેદીઓની મુક્તિ તથા ગાઝામાં માનવતાવાદી સહાય વધારવા જેવા પગલાં લેવાયા હતા. જોકે, હમાસના નિઃશસ્ત્રીકરણ (Disarmament), ઇઝરાયેલી સૈનિકોની સંપૂર્ણ વાપસી અને ગાઝાના પુનર્નિર્માણ જેવા મુદ્દે આગળની સહમતી બની શકી નહોતી.
ત્રણ વર્ષમાં કેટલા લોકો માર્યા ગયા?
આ સંઘર્ષમાં જાનહાનિનો આંકડો અત્યંત મોટો છે. ઉપલબ્ધ આકલન અનુસાર આશરે 1,671 ઇઝરાયેલી અને વિદેશી નાગરિકોના મોત થયા છે.
બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN), વિશ્વ બેંક (World Bank) અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા એપ્રિલ 2026માં જાહેર કરાયેલા ઝડપી નુકસાન અને જરૂરિયાત આકલન મુજબ, સંઘર્ષમાં 71,000થી વધુ પેલેસ્ટિનીઓનાં મોત થયા છે અને 1.71 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે.
યુદ્ધથી ઇઝરાયેલની અર્થવ્યવસ્થાને પણ મોટો ફટકો
યુદ્ધનો ભાર માત્ર સૈન્ય અને માનવજીવન પૂરતો સીમિત રહ્યો નથી. ઇઝરાયેલની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે.
બેંક ઓફ ઇઝરાયેલની 2025ની રિપોર્ટ મુજબ, 2023થી 2026 દરમિયાન યુદ્ધની કુલ રાજકોષીય કિંમત (Fiscal Cost) આશરે 350 અબજ શેકેલ એટલે કે 115 અબજ ડોલર રહેવાનો અંદાજ છે.
2025ના અંત સુધીમાં યુદ્ધને કારણે ઇઝરાયેલને થયેલું સંચિત ઉત્પાદન નુકસાન આશરે 177 અબજ શેકેલ એટલે કે 58 અબજ ડોલર હતું. આ સમયગાળા દરમિયાન સરકારી દેવું-જીડીપી ગુણોત્તર (Debt-to-GDP Ratio) વધીને 68.5 ટકા થયું હતું.
2024માં મોંઘવારી દર 3.2 ટકા રહ્યો હતો, જે કેન્દ્રીય બેંકના 1થી 3 ટકાના લક્ષ્યાંક કરતાં વધારે હતો. જોકે 2025માં મોંઘવારી ઘટીને 2.6 ટકા થઈ હતી.
ગાઝાની અર્થવ્યવસ્થા 84 ટકા સંકોચાઈ
ગાઝાની સ્થિતિ આ યુદ્ધમાં સૌથી વધુ ગંભીર બની છે. વિશ્વ બેંક, સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયનના એપ્રિલ 2026ના આકલન પ્રમાણે, ગાઝાની અર્થવ્યવસ્થા (Economy) લગભગ 84 ટકા સંકોચાઈ ગઈ છે.
સંઘર્ષથી ગાઝામાં આશરે 35.2 અબજ ડોલરનું ભૌતિક નુકસાન અને 22.7 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. એટલે કે કુલ નુકસાનનો અંદાજ 57.9 અબજ ડોલર સુધી પહોંચે છે.
ગાઝાના પુનર્નિર્માણ (Reconstruction) માટે આગામી 10 વર્ષમાં આશરે 71.4 અબજ ડોલરની જરૂરિયાત હોવાનો અંદાજ છે. જ્યારે શરૂઆતના 18 મહિનામાં જ આશરે 26.3 અબજ ડોલરની જરૂર પડશે.
ગાઝાના કેટલા વિસ્તારમાં ઇઝરાયેલનું નિયંત્રણ?
ઓક્ટોબર 2025ના યુદ્ધવિરામ દરમિયાન ગાઝામાં 'પીળી રેખા' (Yellow Line) નક્કી કરવામાં આવી હતી. તેના આધારે ઇઝરાયેલી સૈનિકોની તૈનાતી અને નિયંત્રણ હેઠળના વિસ્તારની સીમા નક્કી કરવામાં આવી હતી.
તે સમયે ગાઝાના આશરે 53 ટકા વિસ્તારમાં ઇઝરાયેલી સૈનિકોની તૈનાતી હતી. પરંતુ જૂન 2026ના સંયુક્ત રાષ્ટ્રના આકલન મુજબ ગાઝાના લગભગ 64.9 ટકા વિસ્તાર પર ઇઝરાયેલનું સીધું અથવા કડક સૈન્ય નિયંત્રણ હતું.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ નિયંત્રણ 70 ટકા સુધી વધારવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપલબ્ધ અહેવાલો અનુસાર હવે ઇઝરાયેલ ગાઝાના આશરે બે તૃતીયાંશ વિસ્તાર પર સૈન્ય નિયંત્રણ ધરાવે છે.
19 લાખથી વધુ લોકો થયા વિસ્થાપિત
યુદ્ધે ગાઝાના સામાન્ય નાગરિકોના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ત્રણ વર્ષ દરમિયાન 19 લાખથી વધુ લોકો પોતાના જ વિસ્તારમાં વિસ્થાપિત થયા છે.
અનેક લોકોને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. અંદાજ મુજબ 12 લાખથી વધુ લોકો એટલે કે ગાઝાની લગભગ 60 ટકા વસ્તીએ પોતાનું ઘર ગુમાવ્યું છે.
ઘરો ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હવે યુદ્ધ બાદ પુનર્નિર્માણ ગાઝા સામેના સૌથી મોટા પડકારોમાંથી એક બની ગયું છે.
ગાઝાની બહાર પણ ફેલાયો સંઘર્ષ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધની અસર ગાઝા પૂરતી રહી નથી. ત્રણ વર્ષ દરમિયાન સંઘર્ષનો વ્યાપ સમગ્ર પશ્ચિમ એશિયા (West Asia) સુધી વિસ્તર્યો છે.
લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલની લડાઈ થઈ હતી. ઈરાન સાથે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ બાદ જૂન 2025માં 12 દિવસ સુધી સીધો સૈન્ય સંઘર્ષ થયો હતો. 2026માં અમેરિકા અને ઇઝરાયેલની ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી બાદ આ ક્ષેત્રમાં તણાવ વધુ વધી ગયો હતો.
યમનમાં હૂતી બળવાખોરોએ ઇઝરાયેલ અને લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇઝરાયેલે હૂતીના ઠેકાણાં, બંદરો અને એરપોર્ટ પર હુમલા કર્યા હતા.
સીરિયામાં ઇઝરાયેલે ઈરાન સાથે જોડાયેલા સૈન્ય ઠેકાણાં અને માળખાને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ ઇરાક અને સીરિયામાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો પણ સંઘર્ષમાં સક્રિય રહ્યા હતા.
ત્રણ વર્ષ બાદ ગાઝાની તસવીર કેટલી બદલાઈ?
7 ઓક્ટોબર 2023ના હુમલાથી શરૂ થયેલો આ સંઘર્ષ હવે માત્ર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ રહ્યો નથી. ત્રણ વર્ષમાં તેણે ગાઝાની વસ્તી, અર્થવ્યવસ્થા અને માળખાકીય વ્યવસ્થાને ભારે અસર કરી છે. હજારો લોકોનાં મોત અને લાખો લોકોના વિસ્થાપન બાદ હવે ગાઝાના પુનર્નિર્માણ માટે અબજો ડોલરની જરૂર પડશે.
બીજી તરફ, ઇઝરાયેલે હમાસના અનેક મોટા નેતાઓને ઠાર કર્યા હોવા છતાં યુદ્ધની આર્થિક કિંમત પણ ભારે રહી છે. હિઝબુલ્લાહ, હૂતી અને ઈરાન જેવા મોરચાઓ સુધી સંઘર્ષ પહોંચતાં સમગ્ર પશ્ચિમ એશિયામાં સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
આ રીતે ત્રણ વર્ષ બાદ પણ આ સંઘર્ષનો અંત સંપૂર્ણ રીતે દેખાતો નથી. યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ, હમાસનું ભવિષ્ય, ઇઝરાયેલી સૈન્યની ગાઝામાં હાજરી અને ગાઝાના પુનર્નિર્માણ જેવા મુદ્દાઓ હજુ પણ સૌથી મોટા પડકારો બની રહ્યા છે.

