VIDEO: અમેરિકામાં ગેરકાયદેસર આવી રીતે ડંકી રૂટથી મહામુશ્કેલી વેઠી કરે છે પ્રવેશ
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 112 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને ત્રીજું વિમાન

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 112 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને ત્રીજું વિમાન 16 ફેબ્રુઆરીએ અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. અગાઉ, 5 અને 15 ફેબ્રુઆરીએ, દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બે બેચ, અનુક્રમે 104 અને 116, અમેરિકન લશ્કરી વિમાન દ્વારા અમૃતસરમાં ઉતર્યા હતા. આમાના કેટલાક લોકોએ લાખો રૂપિયા ખર્ચીને એજન્ટની મદદથી ગેરકાયદેસર માર્ગે અમેરિકામાં પ્રવેશ કર્યો હોય.
મોટાભાગનાની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએસમાંથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સમાં પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગનાની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે છે.
https://twitter.com/Gagan4344/status/1887683399890182541
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે ડંકી રૂટનો વીડિયો શેર કર્યો
અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવેલા કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે ડંકી રૂટનો વીડિયો શેર કર્યો છે જેના દ્વારા એજન્ટ દ્વારા તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. આ વીડિયોમાં ભારતીયોનું એક ગ્રુપ એમેઝોનના જંગલમાં ચાલીને, નદી પાર કરતા અને તંબુઓમાં રહેતા, અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે જંગલમાં ચાલીને જતા જોવા મળે છે.
બધી કમાણી ગુમાવીને અમેરિકા પહોંચ્યો યુવક
એક યુવકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, 'હું અમેરિકા પહોંચ્યો, પરંતુ મારી બધી કમાણી ગુમાવી દીધી. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ કરતી વખતે હું પકડાયો હતો. ત્યારબાદ મને ડીટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. ડંકી રૂટે અમેરિકા જવાનો મારો નિર્ણય ખોટો હતો. આ મૃત્યુનો માર્ગ છે.'
આ દરમિયાન ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવું પડ્યું
યુવકે વધુમાં કહ્યું કે, 'ડંકી રૂટે અમેરિકા પહોંચવા માટે પહેલા ઉડાન ભરવી પડે છે, પછી વાહનો દ્વારા લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે અને ઘણા દેશો પાર કરવા પડે છે. હું પનામા થઈને 13 દિવસ ચાલીને અમેરિકન બોર્ડર પહોંચ્યો હતો. આ સમય દરમિયાન ગાઢ જંગલો, નદીઓ, કીચડ અને પર્વતો પાર કરવા પડ્યા. ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવું પડ્યું. રાતના અંધારામાં જંગલોમાં ચાલવું, નદીઓ અને પહાડોને પાર કરવો એ એવો ડરામણો અનુભવ છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.'
એજન્ટે મને અમેરિકા મોકલવા માટે મારી પાસેથી 40 લાખ રૂપિયા લીધા હતા. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. હું રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે એવા એજન્ટો સામે પગલાં લેવાની માંગ કરું છું, જે લોકોને અમેરિકામાં સ્થાયી થવાના સપના બતાવીને ડંકી રૂટ અપનાવીને મોટી રકમની ઉચાપત કરે છે.








