"કીવ તાત્કાલિક ખાલી કરો નહીંતર..." રશિયાના વિદેશ મંત્રાલયની ખુલ્લી ધમકી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રશિયાએ શનિવારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે યુક્રેનની રાજધાની કીવ સહિત અન્ય મહત્વના શહેરો પર પોતાના જવાબી હુમલાઓ સતત ચાલુ રાખશે. આ ગંભીર સ્થિતિ વચ્ચે મોસ્કોએ કીવમાં વસતા તમામ વિદેશી નાગરિકો તેમજ વિવિધ દેશોના રાજદ્વારીઓ (ડિપ્લોમેટ્સ)ને તાત્કાલિક ધોરણે શહેર છોડી દેવા અપીલ કરી છે, જેના પગલે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છવાયો છે.
રશિયન વિદેશ મંત્રાલયની આકરી ચેતવણી
રશિયાના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડતાં જણાવ્યું છે કે, યુક્રેનિયન સેના દ્વારા રશિયાના સામાન્ય નાગરિકો અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા આતંકી હુમલાઓના જવાબરૂપે રશિયન સૈન્ય કીવ અને યુક્રેનના અન્ય શહેરોમાં આવેલા સૈન્ય મથકો પર વળતા પ્રહારો કરી રહ્યું છે.
સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયાએ વિદેશી નાગરિકો અને ડિપ્લોમેટિક મિશનના કર્મચારીઓને યુક્રેનમાં રહેવા કે ત્યાંની મુસાફરી કરવા સામે સખત ચેતવણી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કોઈ આ ચેતવણીની અવગણના કરશે, તો ત્યારબાદ થનારા કોઈપણ જાનમાલના નુકસાન માટે તેઓ પોતે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
કીવમાં હુમલા તેજ, ડ્નિપ્રો નદીના પુલને નિશાન બનાવ્યો
રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં રાજધાની કીવ પર હવાઈ અને મિસાઈલ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. શનિવારે થયેલા ભીષણ હવાઈ હુમલામાં ડ્નિપ્રો નદી પર બનેલા એક વ્યૂહાત્મક પુલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુ શરૂ થવા પૂર્વે વધેલા આ સતત હુમલાઓને કારણે કીવમાં રહેતા આશરે 30 લાખથી વધુ નાગરિકોનું જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે અને વીજળી તેમજ બળતણની કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
"યુક્રેન હુમલાઓની ભારે કિંમત ચૂકવશે": પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, યુક્રેન રશિયા પર કરેલા હુમલાઓની કિંમત ચૂકવી રહ્યું છે અને આગળ પણ ચૂકવતું રહેશે. મોસ્કોની સેના યુક્રેનિયન સૈન્ય ઠેકાણાઓ પર અવિરત હુમલા ચાલુ રાખશે.
બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓથી બ્લેક સી (કાળા સમુદ્ર)માં એકબીજાના અનાજ લઈ જતા જહાજો પર હુમલા વધ્યા છે, જ્યારે યુક્રેન દ્વારા પણ રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાઓ ચાલુ રખાયા છે. યુદ્ધની આ વણસતી સ્થિતિ જોતાં કીવ પર રશિયા મોટો ઘાતક હુમલો કરે તેવી દહેશત વધી ગઈ છે.

