ક્રિપ્ટોનો જાદુ: ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ૨૦૨૫માં ક્રિપ્ટો વેન્ચર્સમાંથી કરી $૧.૪ બિલિયનની કમાણી!

વોશિંગ્ટન: યુએસ ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ (US Office of Government Ethics) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર દસ્તાવેજો અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે (૨૦૨૫માં) તેમના ફેમિલી ક્રિપ્ટોકરન્સી વેન્ચર્સ (Cryptocurrency Ventures) માંથી $૧.૪ બિલિયન (અંદાજે ૧૪૦ કરોડ ડોલર) થી વધુની અધધ આવક મેળવી છે. આ ફાઈલિંગ દર્શાવે છે કે ટ્રમ્પની આવકનો મોટો હિસ્સો હવે ડિજિટલ એસેટ્સ (Digital Assets) માંથી આવી રહ્યો છે.
વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સ (World Liberty Financial) માંથી જંગી કમાણી
અમેરિકામાં ૧૯૭૮ના એક કાયદા મુજબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે પોતાની આવક અને સંપત્તિ જાહેર કરવી ફરજિયાત છે. આ લેટેસ્ટ ફાઈલિંગ (Filings) મુજબ: ટ્રમ્પ અને તેમના પુત્રો દ્વારા કો-ફાઉન્ડ (Co-founded) કરાયેલી ક્રિપ્ટો કંપની 'વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સ' માંથી તેમની કંપનીઓને લગભગ $૮૦૦ મિલિયન મળ્યા છે.
આ રકમમાં ક્રિપ્ટો ટોકન્સ (Crypto Tokens) ના વેચાણમાંથી $૫૨૦ મિલિયનથી વધુ અને ઓનરશિપ સ્ટેક્સ (Ownership Stakes) ના વેચાણમાંથી $૨૫૦ મિલિયનથી વધુનો સમાવેશ થાય છે.
'ટ્રમ્પ મીમ કોઈન્સ' (Trump Meme Coins) નો જાદુ
આ સિવાય, જાન્યુઆરી ૨૦૨૫માં તેમના પ્રમુખ પદના શપથ ગ્રહણ (Inauguration) ના થોડા કલાકો પહેલા જ લોન્ચ કરાયેલા 'ટ્રમ્પ મીમ કોઈન્સ' ના વેચાણમાંથી તેમણે અન્ય $૬૩૫ મિલિયનની કમાણી નોંધી છે. જૂન ૨૦૨૫ના ફાઈલિંગમાં ટોકન સેલ્સમાંથી માત્ર $૫૭.૩૫ મિલિયનની આવક થઈ હતી, જે આ વર્ષના ફાઈલિંગમાં કૂદકો મારીને $૫૦૦ મિલિયનને પાર પહોંચી ગઈ છે.
સંપત્તિમાં ત્રણ ગણો વધારો અને વિવાદ (Conflicts of Interest)
પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ટ્રમ્પે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને ફાયદો કરાવતી પૉલિસીઓ (Policies) અને સ્ટેબલકોઈન્સ (Stablecoins) માટેના ફેડરલ નિયમો લાગુ કર્યા છે. આ સાથે જ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એસઈસી (SEC) દ્વારા ઇન્ડસ્ટ્રી પર રખાતી કડક નજર પણ હળવી કરવામાં આવી છે.
આ નીતિઓને કારણે તેમના પર હિતોના ટકરાવ (Conflicts of Interest) ના આક્ષેપો થઈ રહ્યા છે. ફોર્બ્સ (Forbes) ના રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટો સેક્ટરમાં ટ્રમ્પની સક્રિયતાને કારણે ૨૦૨૪ થી ૨૦૨૬ વચ્ચે તેમની પર્સનલ વેલ્થ (Personal Wealth) $૨.૩ બિલિયનથી લગભગ ત્રણ ગણી વધીને $૬.૫ બિલિયન થઈ ગઈ છે.
વ્હાઇટ હાઉસ (White House) નો બચાવ
આ વિવાદ પર વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ કે તેમના પરિવારે ક્યારેય હિતોના ટકરાવમાં ભાગ લીધો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ એક્શન્સ (Executive Actions) દ્વારા અમેરિકાને ગર્વભેર વિશ્વની ક્રિપ્ટો કેપિટલ (Crypto Capital) બનાવી છે."
જો કે, વ્હાઇટ હાઉસ ભલે એમ કહેતું હોય કે ટ્રમ્પનો બિઝનેસ હાલ તેમના બાળકો સંભાળે છે, પરંતુ ટ્રમ્પ પોતે એ ટ્રસ્ટના મુખ્ય લાભાર્થી (Beneficiary) તરીકે ચાલુ જ છે, જ્યાં આ તમામ આવક જમા થાય છે.

