'ચીને ઈરાનને આક્રમક ડ્રોન પૂરા પાડ્યા,રોકેટ ફ્યુઅલ કેમિકલ પણ આપ્યા'; યુએસ રિપોર્ટમાં મોટો ખુલાસો

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 19મા દિવસમાં પ્રવેશ થયો છે. અવિરત હુમલાઓ દ્વારા અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ મચાવ્યો છે. તેનાથી વિપરીત ઈરાન અડગ રહીને ઈઝરાયલ અને ખાડી દેશો સામે હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે 'યુએસ-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા કમિશન' કે જે યુએસ કોંગ્રેસ સાથે જોડાયેલી એક મુખ્ય સંસ્થા છે. આ સંસ્થાએ તેના તાજેતરના રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ચીને ઈરાનને આક્રમક ડ્રોન, રોકેટ ફ્યુઅલ સંબંધિત રસાયણો અને સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ્સ પૂરા પાડ્યા છે, જે બધા હાલમાં પશ્ચિમ એશિયામાં હુમલાઓ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.
સોમવારે પ્રકાશિત “China-Iran Fact Sheet” હેડિંગ સાથેના રિપોર્ટમાં કમિશને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2026માં યુએસ અને ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હુમલાઓ પહેલાના દિવસોમાં ચીન ઈરાનને સીધા શસ્ત્રો વેચવામાં સક્રિય રીતે રોકાયેલું હતું. અહેવાલ મુજબ ચીને ઈરાનને આક્રમક ડ્રોન પૂરા પાડ્યા હતા અને એન્ટી-શિપ ક્રુઝ મિસાઇલો વેચવાનો મોટો સોદો પણ લગભગ નક્કી થઈ ગયો હતો. જોકે, બંને દેશો વચ્ચે મિસાઇલોની ડિલિવરીની તારીખ અંગે અંતિમ સર્વસંમતિ હજુ સુધી થઈ નથી.
ઈરાનને રોકેટ ઈંધણ બનાવનારું કેમિકલ પણ વેચ્યું
યુએસ કમિશન દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ચીને સોડિયમ પરક્લોરેટ - રોકેટ ઇંધણના ઉત્પાદનમાં વપરાતા એક મહત્વપૂર્ણ રસાયણ પણ ઈરાનને વેચાણ માટે અધિકૃત કર્યું હતું. 2 માર્ચ, 2026 ની આસપાસ, બે ઈરાની રાજ્ય માલિકીના જહાજો ચીનના ગાઓલાન બંદરથી રવાના થયા હતા, જેમાં આ રસાયણનો માલ હોવાનું કહેવાય છે. આ પદાર્થનો ઉપયોગ ઘન રોકેટ ઇંધણના ઉત્પાદનમાં થાય છે, જે મિસાઇલો માટે પ્રોપેલન્ટ તરીકે કામ કરે છે. અહેવાલ મુજબ, ચીને અગાઉ જાન્યુઆરી 2025 માં ઈરાનને આશરે 1,000 ટન સોડિયમ પરક્લોરેટ મોકલ્યું હતું.
એક અમેરિકન કમિશને એવો પણ દાવો કર્યો છે કે, 2021 માં, ચીને ઈરાનને તેની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની સંપૂર્ણ લશ્કરી-ગ્રેડ ઍક્સેસ આપી હતી. રિપોર્ટ અનુસાર સંભવ છે કે ઈરાન હાલમાં પશ્ચિમ એશિયામાં ડ્રોન અને મિસાઈલ હુમલા માટે આ જ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું હોય.

