શેતાન બિલાડીએ રમતા રમતા કર્યું મોટું કારસ્તાન, દોડતી ઘરે આવી તેની માલિક
ચીનમાં એક પાલતુ બિલાડીએ ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના લીધે માલિકને રૂ. 11 લાખ (1,00,000 યુઆન) નું નુકસાન થયું છે. ચીનના

ચીનમાં એક પાલતુ બિલાડીએ ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના લીધે માલિકને રૂ. 11 લાખ (1,00,000 યુઆન) નું નુકસાન થયું છે. ચીનના એક મીડિયા અખબાર અનુસાર, ચીનના સિચુઆન પ્રાંતમાં આ બનાવ બન્યો હતો.
ઘરની માલિક ડાંડનને 4 એપ્રિલે તેના પ્રોપર્ટી મેનેજમેન્ટ સ્ટાફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારા ઘરમાં આગ લાગી છે. તે તરત જ નોકરીએથી ઘરે આવી અને જોયું તો તેની જિંગોડિયો નામની બિલાડીએ આ કારસ્તાન કર્યું છે. જેના લીધે ઘરનો ફર્સ્ટ ફ્લોર બળીને ખાખ થયો હતો.
આગ લાગતા જ બિલાડી ભાગી
ડાંડન તેની બિલાડીને ઘરે મૂકી ગઈ હતી. તે કિચનમાં રમી રહી હતી. બિલાડીએ એપ્લાયન્સિસની ટન પેનલ પર ચાલતા ચાલતા ભૂલથી ઈન્ડક્શન કૂકર ચાલુ કરી દીધું હતું. જેના લીધે આ આગ લાગી હતી. જો કે, આગ લાગતા જ ફાયર ફાઈટર્સ દોડી આવ્યા હતા. તેમને બિલાડી ઉપરના માળે એક કેબિનેટમાં છુપાયેલી મળી હતી. જે રાખમાં ઢંકાયેલું હતું. ફાયર ફાઈટર પણ આશ્ચર્યચકિત થયા હતા કે, બિલાડી પોતાનો જીવ બચાવવા છુપાઈ ગઈ હતી.
ઘરની માલિકે આગનો દોષ પોતાના પર લીધો
આ ઘટનામાં બિલાડી તો બચી ગઈ, પરંતુ ઘરની માલિકે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી ન હતી. તેણે ઈન્ડક્શન કૂકરનો પાવર ઓફ ન કરવા બદલ પોતાને જ દોષી ઠેરવી હતી. તેમજ ભવિષ્યમાં આગ સલામતી અંગે વધુ સાવચેત રહેવાની ખાતરી આપી હતી.
સોશિયલ મીડિયા પર આ કિસ્સો રમૂજનો હિસ્સો બન્યો
ડાંડને સોશિયલ મીડિયા પર પોતાની બિલાડીનું કારસ્તાન શેર કરતા તેને અનેક લાઈક્સ અને ફિડબેક મળ્યા હતા. લોકો માટે તે રમૂજી કિસ્સો બન્યો હતો. ઘણા યુઝરે પોતાના પાલતુ પ્રાણીઓ સાથે બનેલા આવા રમૂજી કિસ્સા પર શેર કર્યા હતા. એક યુઝરે કમેન્ટમાં કહ્યું હતું કે, "મારી બિલાડી મોટાભાગે ટોઇલેટ ફ્લશ કરતી રહે છે, જેના લીધે મારે બહુ વધારે પાણીનું બિલ ચૂકવવું પડે છે."
અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, "આ કિસ્સો શેર કરવા બદલ આભાર. હું પણ હમણાં જ મારૂ ઈલેક્ટ્રિક કૂકર બંધ કરી આવી, કારણ કે મારી પાસે પણ એક તોફાની બિલાડી છે, જે મારા ફ્લેટમાં આખો દિવસ દોડાદોડ કરતી હોય છે."








