કેનેડા: ખાલિસ્તાની હુમલા પછી હિંદુ સંગઠનોનું સખ્ત ફરમાન, મંદિરોમાં નેતાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પરના હુમલા

કેનેડાના બ્રેમ્પટન શહેરમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પરના હુમલા બાદ કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ (CNCH) એ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ કાઉન્સિલે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મોટો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: કેનેડાના મંદિરમાં ખાલિસ્તાનીઓ સાથે વિરોધ કરનાર પોલીસકર્મી સસ્પેન્ડ, હિંદુઓ પર હુમલામાં હતો સામેલ
CNCH એ જાહેરાત કરી છે કે કેનેડામાં તમામ નેતાઓને રાજકીય હેતુઓ માટે હિન્દુ મંદિરોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ જ્યાં સુધી ખાલિસ્તાની તત્વો સામે પગલાં લેવામાં નહીં આવે અને મંદિરોની સુરક્ષા મજબૂત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. જોકે, નેતાઓને ભક્ત તરીકે મંદિરમાં જવા દેવામાં આવશે.
બ્રેમ્પટનમાં હિંસક ઘટના
CNCHએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બ્રેમ્પટનમાં ગોર રોડ પર એક હિન્દુ મંદિરને ખાલિસ્તાન તરફી વિરોધીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હિંસક ઘટનાએ કેનેડાના હિન્દુ સમુદાયમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓ મંદિરના મુખ્ય દ્વાર પર એકઠા થયા, બળજબરીથી પરિસરમાં પ્રવેશ્યા અને મંદિરના સભ્યો પર હુમલો કર્યો, જેનાથી સમુદાયમાં ગભરાટ ફેલાયો હતો.
હિન્દુ કેનેડિયનોને નિશાન બનાવ્યા
આ હુમલો ખાસ કરીને હિંદુ કેનેડિયનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ હિંદુઓ પર ખતરનાક હુમલાઓની બીજી શ્રેણી છે. હિંદુધર્મસ્થળોની સુરક્ષાને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ કેનેડીયન નેતાઓએ આ વધતી દુશ્મનાવટને રોકવા માટે હજુ સુધી નક્કર પગલાં લીધા નથી.
CNCH અને હિંદુ ફેડરેશનનો નિર્ણય
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે CNCH અને હિંદુ ફેડરેશન, મંદિરો અને હિંદુ હિમાયત જૂથો સાથે મળીને, બ્રેમ્પટનમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય લીધો છે. સમગ્ર કેનેડામાં હિન્દુ મંદિરો હવે રાજકારણીઓને તેમની સુવિધાઓનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવા દેશે નહીં. જ્યાં સુધી તેઓ ખાલિસ્તાની કટ્ટરવાદ સામે નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી તેઓને મંદિરના મંચ પર પ્રવેશ મળશે નહીં.








