Binance પર $6.3 અબજનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હેક: કંપનીએ 90% નુકસાનની ભરપાઈ કરી, યુઝર્સના પૈસા સુરક્ષિત રાખવાનો દાવો

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Cryptocurrency Exchange) Binance પર થયેલા અંદાજે 6.3 અબજ ડોલરના સાઇબર હુમલાએ ક્રિપ્ટો માર્કેટમાં ખળભળાટ મચાવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે હેકિંગને કારણે થયેલા કુલ નુકસાનમાંથી લગભગ 90 ટકા રકમની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. બાકીની 10 ટકા રકમ એકત્ર કરવામાં હજુ સમય લાગી શકે છે. Binanceએ સ્પષ્ટ કર્યું છે કે આ નુકસાનની આર્થિક જવાબદારી કંપની પોતે ઉઠાવશે અને તેના યુઝર્સને નુકસાન થવા દેશે નહીં. કંપનીના જણાવ્યા અનુસાર, ચોરાયેલી સંપત્તિની ભરપાઈ માટે તેણે પોતાના કોર્પોરેટ ફંડ અને અન્ય નાણાકીય સ્ત્રોતોનો ઉપયોગ કર્યો છે. કુલ 6.34 અબજ ડોલરથી વધુની રકમ આ હેતુ માટે ફાળવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. તેમાં બિટકોઇન (Bitcoin), ઇથેરિયમ (Ethereum), ટેથર (Tether) સહિત કુલ 10 ક્રિપ્ટો એસેટ્સ આવરી લેવામાં આવી છે.
FBIએ ઉત્તર કોરિયા પર લગાવ્યો આરોપ
અમેરિકાની તપાસ એજન્સી FBIએ શનિવારે જણાવ્યું હતું કે આ સાઇબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોવાની માહિતી મળી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, હેકર્સે ચોરાયેલી ડિજિટલ સંપત્તિને ઇથેરિયમમાં રૂપાંતરિત કરી હતી અને ત્યારબાદ ડીસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ (DeFi) તથા ઇન્સ્ટન્ટ સ્વેપ સેવાઓ મારફતે તેને બીજી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. FBIએ ઉત્તર કોરિયા સાથે જોડાયેલા લાઝારસ ગ્રુપ (Lazarus Group) તરફ પણ આંગળી ચીંધી છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હુમલાખોરો કોણ છે તે અંગે અમેરિકા હજુ તપાસ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા અગાઉ પણ આવા હુમલાઓમાં સંડોવણીના આરોપોને નકારી ચૂક્યું છે.
હેકિંગ બાદ ઉપાડની સુવિધા ફરી શરૂ
Binanceએ હુમલા બાદ કેટલાક નેટવર્ક પર ઉપાડની સુવિધા (Withdrawals) બંધ કરી હતી. હવે કંપનીએ તબક્કાવાર આ સુવિધા ફરી શરૂ કરી છે. તપાસમાં શરૂઆતમાં એક એન્જિનિયરના લેપટોપ સાથે ચેડાં થયાની આશંકા વ્યક્ત થઈ હતી, પરંતુ બાદમાં સુરક્ષામાં અન્ય ખામીઓ પણ સામે આવી હતી. કંપની અને અમેરિકાની તપાસ એજન્સીઓ ચોરાયેલી રકમ શોધવા તથા ફ્રીઝ કરવા માટે તપાસ ચાલુ રાખી રહી છે.




