કિશ્તવાડમાં સેનાના જવાનોએ જ બંને SPO પર ગોળીઓ ચલાવી, કોંગ્રેસ નેતાનો દાવો

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ની હત્યાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વકર્યો છે. ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે દાવો કર્યો છે કે પોલીસકર્મીઓની હત્યા પહેલાં મસ્જિદમાંથી નારા લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ તારિક હમીદ કર્રાએ કહ્યું કે સેનાના જવાનોએ ભૂલથી પોલીસકર્મીઓને મારી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ આ મોતને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસે સેનાના જવાનોની ભૂલને ગણાવી મોતનું કારણ
કર્રાએ દાવો કર્યો છે કે 'બંને SPO બંદૂક લઈને શિકાર કરવા ગયા હતા. તેમણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો ન હતો. જ્યારે તેઓ જંગલમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સેનાના જવાનોએ તેમને આતંકવાદી સમજી લીધા હતા. ત્યારબાદ સેનાના જવાનોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે બંને અધિકારીઓનાં મોત થયાં હતાં'. જોકે, સેનાએ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. બીજી તરફ, ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે સેનાના જવાનો કોઈની ઓળખની પુષ્ટિ કર્યા વિના આ રીતે ગોળીબાર કરતા નથી.
ભાજપના જ નેતાએ ધારાસભ્યના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો
ભાજપના નેતા જહાનઝૈબ સિરવાલ પોતાની જ પાર્ટીના ધારાસભ્યના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે મસ્જિદમાંથી જાહેરાત કરવામાં આવી હોવાના દાવાને દુર્ભાગ્યપૂર્ણ અને તથ્યવિહોણો ગણાવ્યો છે. જામિયા મસ્જિદના ઇમામ મૌલાના ફારૂક અહમદ કિચલૂના નેતૃત્વ હેઠળના 'ઇસ્લામી મરકઝ-એ-મજલિસ શૂરા કિશ્તવાડ' સંગઠને પણ પરિહારના આરોપોને ફગાવી દીધા છે. સંગઠને આ દાવાઓને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે તેનાથી સંવેદનશીલ જિલ્લામાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચી શકે છે. સાથે જ સંગઠને ધારાસભ્ય પાસે જાહેરમાં માફી માગવાની માંગ કરી છે.
જંગલ વિસ્તારમાં બે SPOના મૃતદેહ મળી આવ્યા
જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લાના રહેવાસી SPO બોબી ચંદ (57) અને રશપાલ કુમાર (45) ગુરુવારે સવારે દચ્છનના જંગલ વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને એક દિવસ પહેલાં ગુમ થયા હતા. તેઓ નજીકની મરવાહ તહસીલના બસનંદમાં આવેલી સુરક્ષા ચોકી તરફ જઈ રહ્યા હતા. SPOને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન કિશ્તવાડનાં ધારાસભ્ય શગુન પરિહારનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેઓ કથિત રીતે દાવો કરતાં જોવા મળે છે કે હત્યા પહેલાં એક મસ્જિદમાંથી જાહેરાતો કરવામાં આવી હતી. તેમણે આ મામલે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં થઈ રહેલા વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.










