મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આ દેશમાં 129 કેદીઓના મોતથી હાહાકાર, જેલ તોડી ભાગવાના પ્રયાસમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આફ્રિકન દેશની એક જેલમાં અચાનક લાગેલી આગનો લાભ લઈને કેટલાક કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવા દરમિયાન મચ

આ દેશમાં 129 કેદીઓના મોતથી હાહાકાર, જેલ તોડી ભાગવાના પ્રયાસમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આફ્રિકન દેશની એક જેલમાં અચાનક લાગેલી આગનો લાભ લઈને કેટલાક કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવા દરમિયાન મચેલી ભાગદોડમાં 129 કેદીઓના મોત થયા છે. જેલમાંથી કેદીઓ ભાગી ન જાય તે માટે હાજર પોલીસ કર્મચારીઓએ ગોળીબાર કર્યો હતો. આ દુર્ઘટનામાં 129 કેદીઓના મોત થયા છે. 24 કેદીઓને બંદૂકની ગોળીઓ વાગતા મોત થયા તો બીજા કેદીઓ ધક્કામુક્કી અને ગૂંગળામણને લીધે મોત પામ્યા હતા. પરંતુ જેલના સળિયા તોડીને એક પણ કેદી ભાગી શક્યો ન હતો. 

આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ થયો હતો. દેશની રાજધાની કિંશાસાની મકાલા જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દેશના ગૃહમંત્રી શબાની લુકુએ ખુદ પોતાના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને ઘટનાની જાણકારી આપી હતી. સાથે પોલીસની કાર્યવાહીની પણ જાણ કરી હતી. 

ગૃહ પ્રધાન શબાની લુકુ અને આંતરિક બાબતોના પ્રધાન જેકમીન શબાનીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે લગભગ 2 વાગ્યે વહીવટીતંત્રની ઓફિસમાં લાગેલી આગમાં ફૂડ ડેપો અને હોસ્પિટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી.આ આગની ઘટનામાં 60 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેલતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત હતું ત્યારે કેદીઓએ તકનો લાભ ઉઠાવીને જેલ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જેલમાં રહેલા કેદીઓને ચેતવણી અપાઈ છતાં ન રોકાતાં પોલીસને ફાયરિંગ કરવાની નોબત આવી હતી. નાસભાગ વચ્ચે ગોળીબારને પગલે 129 કેદીઓના મોત થયા પરંતુ એક પણ કેદી જેલ તોડીને બહાર ના જઈ શક્યો. સરકારે ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. આગની ઘટના, જેલ બ્રેક અને ફાયરિંગ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

1500 કેદીઓની જેલમાં 12000 કેદીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગોની મકાલા જેલમાં 1500 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ હાલમાં અહીં લગભગ 12 હજાર કેદીઓ રાખવામાં આવ્યા છે. મોટા ભાગના કેદીઓના કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ પણ થઈ ન હતી. વિપક્ષ દ્વારા આ અકસ્માતને સરકાર, પોલીસ અને જેલ પ્રશાસનની સંપૂર્ણ બેદરકારી ગણાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કોંગો વિશ્વનો સૌથી ગરીબ દેશ છે, પરંતુ તેની પાસે ખનિજોનો ભંડાર છે. આ દેશ 30 જૂન, 1960ના રોજ આઝાદ થયો, પરંતુ આજ સુધી આ દેશ ગરીબીથી પીડિત છે.

આ સમાચાર શેર કરો