મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT / મુંબઈમાં 57 વર્ષની સૌથી ગરમ રાત, ઘરમાં અસહ્ય ઉકાળાથી બચવા ગરીબો વર્સોવા બીચના શરણે !

દેશના અનેક રાજ્યોમાં ચોમાસા

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનો મુશળધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ અત્યારે ગંભીર હીટવેવ અને અસહ્ય ભેજવાળી ગરમીના પ્રકોપનો સામનો કરી રહી છે. તાજેતરમાં વાયરલ થયેલા એક હૃદયદ્રાવક વીડિયોમાં પતરાની ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિક લોકો રાત્રિના સમયે અસહ્ય ઉકળાટ અને વારંવાર થતા પાવર કટથી બચવા માટે મજબૂરીમાં વર્સોવા બીચની રેતી પર સૂતા જોવા મળ્યા છે. જેમાં સામે આવ્યુ કે ગરમીના પ્રકોપને કારણે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ વર્સોવા બીચ પર સૂઈ રહ્યા છે આ આકરા પ્રહાર પાછળનું મુખ્ય કારણ ચોમાસાની અત્યંત ધીમી ગતિ છે, જે સામાન્ય રીતે ૧૧ જૂન સુધીમાં મુંબઈ પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે દક્ષિણ મહારાષ્ટ્રમાં અટવાઈ જવાને કારણે હવે ૨૫ જૂન આસપાસ પહોંચવાની આશંકા છે. આ વિલંબને લીધે મુંબઈમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન રેકોર્ડબ્રેક ૩૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લા ૫૭ વર્ષમાં જૂન મહિનાની સૌથી ગરમ રાત સાબિત થઈ છે. કોસ્ટલ સિટી હોવાના કારણે દરિયાઈ ભેજ હવામાં જકડાઈ રહે છે, જેના લીધે સૂર્યાસ્ત પછી પણ તાપમાન બિલકુલ નીચું જતું નથી અને ગરીબ પરિવારો માટે ઘરોની અંદર શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો દેશના અન્ય ભાગોમાં વરસાદ હોવા છતાં મુંબઈમાં આ સ્થિતિ સર્જાવા પાછળ વૈશ્વિક હવામાનની પેટર્ન જવાબદાર છે. પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી 'અલ નીનો'ની નબળી અસરો અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી આવતા સૂકા પવનોએ ચોમાસાની સિસ્ટમને આગળ વધતી રોકી દીધી છે. વધુમાં, વરસાદ વિનાનો આ અતિશય ભેજ વાતાવરણમાં 'મોઇશ્ચર ટ્રેપિંગ' એટલે કે ગરમ ધાબળા જેવું કામ કરે છે, જે વાસ્તવિક તાપમાન કરતાં પણ ૪ ડિગ્રી વધુ ગરમીનો અહેસાસ કરાવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી અરબી સમુદ્રમાંથી ચોમાસાના ભેજવાળા પવનો મુંબઈ પર વિધિવત રીતે સક્રિય નહીં થાય ત્યાં સુધી આગામી થોડા દિવસો સુધી મુંબઈગરાઓએ આ ગૂંગળામણભરી અને આકરી ગરમીનો સામનો કરવો જ પડશે. પારો સતત ઊંચો રહેવાના કારણે અત્યારે દરિયા કિનારાઓ જ ગરીબો માટે એકમાત્ર કુદરતી એર-કંડિશનર અને આશરો બન્યા છે.

બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો