મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VEDIO:ANDAR NI VAAT/'બગ્સ આર કિંગ્સ' થીમ સાથે ખુલશે જીવસૃષ્ટિનું અનોખું દ્વાર

તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત તમિલનાડુ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવેલ

તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત તમિલનાડુ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવેલું ભારતનું એકમાત્ર અને પ્રથમ કીટક સંગ્રહાલય ટૂંક સમયમાં વૈશ્વિક ઓનલાઈન એક્સેસ માટે ખુલ્લું મુકાશે. વર્ષ ૧૯૦૬થી એકત્રિત કરાયેલા ઐતિહાસિક કીટકોના સંગ્રહ સાથે શરૂ થયેલા આ કેન્દ્રનો પાયો ૨૦૧૪માં નંખાયો હતો. રાજ્ય સરકાર અને એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમના રૂપિયા ૫ કરોડના આર્થિક સહયોગથી બનેલું આ સંગ્રહાલય ૬૦૦૦ ચોરસ ફૂટમાં ૭ વિશાળ બેઝ સાથે ફેલાયેલું છે, જેની વિશેષતા બદલ ૨૦૧8માં તેના પર વિશેષ ટપાલ કવર પણ બહાર પડાયું હતું. પૃથ્વી પર શિકારી, પરાગનયન કરનાર અને પર્યાવરણના સફાઈ કામદાર તરીકે ગુપ્ત રીતે મહત્વની ભૂમિકા ભજવતા કીટકો વિશે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કીટક વૈજ્ઞાનિકોએ દેશભરના પ૫થી વધુ સ્થળોએથી દિવસ-રાત મહેનત કરીને આશરે ૧ લાખ ૧૪ હજાર જેટલા કીટકો અને તેમની તસવીરો એકત્રિત કરી છે.

આ સંગ્રહાલયની શરૂઆત લોબીમાં મૂકેલા બગ્સ આર કિંગ્સ થીમ આધારિત સિંગલ લાકડાના લોગ પર કોતરેલી આકૃતિઓથી થાય છે. મ્યુઝિયમની અંદર ભારતીય કીટક સૃષ્ટિની વિવિધતા દર્શાવવામાં આવી છે, જેમાં ૩૮ ટકા ભૃંગ એટલે બીટલ્સ, ૧૬ ટકા પતંગિયા અને ફુદા તથા ૧૨ ટકા ભમરી અને મધમાખીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ૧૫૦ બેઠકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ઇન્સેક્ટ ડિસ્કવરી હોલ અને કીટકો પરની ડોક્યુમેન્ટ્રીની સુવિધાઓ ઉપલબ્ધ છે. કૃષિ કીટકવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડોક્ટર એન. ચિત્રા, વડા ડોક્ટર એમ. મુરુગન અને સીપીપીએસના ડાયરેક્ટર ડોક્ટર શાંતિના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર ખેડૂતોને પાકના દુશ્મન અને મિત્ર કીટકો ઓળખવામાં મદદ કરે છે. હવે ઓનલાઈન ગેટવે શરૂ થવાથી આ વૈજ્ઞાનિક વારસો અને પર્યાવરણ સંતુલન માટે કીટકોના રક્ષણનો સંદેશ વૈશ્વિક સ્તરે પહોંચશે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો