આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે World Youth Skills Day, જાણો કેવી રીતે થઈ તેની શરૂઆત
દર વર્ષે, 15મી જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામા

દર વર્ષે, 15મી જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને સકલી ડેવલપમેન્ટ પ્રત્યે જાગૃત કરવાનો અને તેમને નોકરી કે બિઝનેસ માટે જરૂરી કૌશલ્યો પ્રદાન કરવાનો છે. આ દ્વારા તેઓ માત્ર પોતાને જ નહીં પરંતુ દેશને પણ આગળ વધારી શકે છે. દેશના વિકાસમાં યુવાનોનો સૌથી મોટો ફાળો હોય છે. બેરોજગારી વધવામાં અમુક અંશે કૌશલ્યનો અભાવ પણ જવાબદાર છે. ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને આ વર્ષે આ દિવસ કઈ થીમ સાથે ઉજવવામાં આવશે.
વિશ્વ યુવા કૌશલ્ય દિવસનો ઈતિહાસ
વર્ષ 2014માં, શ્રીલંકાએ યુવાનોને રોજગાર માટે જરૂરી તાલીમ આપવા માટે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. જેને 18 ડિસેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ દિવસ દર વર્ષે 15મી જુલાઈના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે.
વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024ની થીમ
વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024ની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે. 2023માં આ દિવસને "પરિવર્તનકારી ભવિષ્ય માટે શિક્ષકો, પ્રશિક્ષકો અને યુવાને કુશળ બનાવવા" થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
ઝડપથી બદલાતી આ દુનિયામાં માત્ર લોકોની રહેવા, ખાવા-પીવાની અને કપડા પહેરવાની રીત જ બદલાઈ નથી પરંતુ કામ કરવાની રીતમાં પણ ઘણા બદલાવ આવ્યા છે. પહેલાં નોકરી માટે અનુભવ જરૂરી હતો, તો હવે અનુભવ કરતા સ્કિલ્સ વધુ મહત્ત્વની છે. અભ્યાસની સાથે સાથે રોજગાર માટે કેટલીક મહત્ત્વપૂર્ણ કુશળતાની મદદથી તમે પ્રોફેશનલ લાઈફમાં જલ્દી સફળતા મેળવી શકો છો. આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનો સુધી આ સંદેશ પહોંચાડવાનો છે.






