VIDEO: VIRAL / મનાલી હાઇવે પર પેરાગ્લાઇડરનું ઇમરજન્સી લેન્ડિંગ, રોડની વચ્ચે જ યુવક પટકાયો
હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશન મનાલીથી એક અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવામાં ઉડી રહેલા એક પેરાગ્લાઇડર પરથી અચાનક કંટ્રોલ ગુમાવી બેસતા, પાયલોટે ચંદીગઢ-મંડી હાઇવે પર જ તેનું ઇમરજન્સી ક્રેશ-લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સદનસીબે પાયલોટની કોઠાસૂઝ અને સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને તેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી ચર્ચા છેડાઈ ગઈ છે.
આ સમગ્ર ઘટના રવિવારની હોવાનું કહેવાય છે, જ્યારે મનાલી નજીક રાયસન વિસ્તારમાં એક પેરાગ્લાઇડર હવામાં ઉડાન ભરી રહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉડતા ઉડતા અચાનક પેરાગ્લાઇડરનું બેલેન્સ બગડી ગયું હતું અને તે ઝડપથી નીચેની તરફ આવવા લાગ્યું હતું. આકાશમાં પેરાગ્લાઇડરને આ રીતે ડગમગતું જોઈને નીચે ઉભેલા લોકોના હોશ ઉડી ગયા હતા. પાયલોટ પણ સમજી ગયો હતો કે હવે લેન્ડિંગ સામાન્ય નહીં થાય.
જ્યારે પેરાગ્લાઇડર નીચે પડી રહ્યું હતું, ત્યારે નીચે રહેણાંક વિસ્તાર હતો અને રોડ પર વાહનો દોડી રહ્યા હતા. પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેરાગ્લાઇડરને વાહનો અને ઘરોથી દૂર વાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સમયસૂચકતા વાપરી હાઇવેના એક ખાલી ભાગ તરફ ગ્લાઇડરને વાળી દીધું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પેરાગ્લાઇડર સીધું આવીને રોડની વચ્ચે જ ક્રેશ-લેન્ડ થઈ જાય છે. આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પાયલોટને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યો હતો.
પ્રાથમિક તપાસ અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક બદલાયેલા હવામાન અથવા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. ભારે પવનના કારણે પાયલોટનો ગ્લાઇડર પરથી કંટ્રોલ સંપૂર્ણપણે છૂટી ગયો હતો. રાહતની વાત એ છે કે પાયલોટ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો કે આ અકસ્માતને કારણે થોડીવાર માટે ચંદીગઢ-મંડી હાઇવે પર ટ્રાફિક જરૂર ખોરવાયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો એડવેન્ચર સ્પોર્ટ્સની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો પેરાગ્લાઇડર કોઈ ચાલતા વાહન સાથે અથડાયું હોત, તો શું વાહન ચાલકને દોષી માનવામાં આવત? જ્યારે અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે ચોમાસું બેસી ગયું છે તો હિમાચલમાં પેરાગ્લાઇડિંગની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે? કેટલાક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સના નામે સુરક્ષાના નિયમોની મજાક ઉડાવવામાં આવે છે.

