સેમ્યૂઅલ કોડીએ પતંગનો ઉપયોગ કરીને 1901માં પાર કરી હતી ઇંગ્લિશ ચેનલ, જાણો રસપ્રદ ઈતિહાસ
Kite History : પતંગ આજે ભલે મનોરંજનનું સાધન બની હોય પરંતુ ઇસ 1901માં બ્રિટનના સેમ્યુઅલ કોડી

Kite History : પતંગ આજે ભલે મનોરંજનનું સાધન બની હોય પરંતુ ઇસ 1901માં બ્રિટનના સેમ્યુઅલ કોડીએ પતંગની મદદથી બોટ વડે અઘરી મનાતી ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી. 1867માં ડેવનપોર્ટ લોવામાં જ્ન્મેલા સેમ્યૂઅલને એક ચાઇનિઝ કુકે પતંગના નિયમો સમજાવીને પતંગ ચગાવતા શિખવ્યું હતું. કોડી સેમ્યુઅલને ઉડતી પતંગને બળ કરતી જોઇને તેની આ શકિતનો ઉપયોગ કશુંક લિફટ કરવા માટે કરવાનો વિચાર આવ્યો હતો.તેને કેટલાક મિત્રો અને પતંગ રસિયાઓની મદદથી આને લગતા પતંગ પ્રયોગો અને શો શરુ કર્યા હતા.
1901માં પતંગની લિફટિંગ ક્ષમતામાં અનેક પ્રકારના સુધારા વધારા કરી સિંગલ દોરી વડે એક કરતા વધુ પતંગો ઉડાડી શકાય એવી ટેકનિક શોધી હતી.પોતાની આ શોધની 1901માં પેટન્ટ પણ કરાવી હતી. ત્યાર બાદ આ પતંગ "કોડી વોર કાઇટ"ના નામથી જાણીતી બની હતી. કોડીની આ વિશિષ્ટ પતંગને બ્રિટનના હવામાન વિભાગે પણ માન્ય રાખી તો અને રોયલ મિટિરિઓલોજી સોસાયટીએ પણ બિરદાવી હતી. કોડીએ પતંગની આ ડિઝાઇનને બ્રિટનની વોર ઓફિસને ઓફર કરી હતી. આ વોર કાઇટનો થોડો ઉપયોગ બીજા બોઅર યુદ્ધ દરમિયાન પણ થયો હોવાનું માનવામાં આવે છે.
ડબલ લાઇનિંગ કેનવાસવાળી બેરથન બોટમાં પતંગનો ઉપયોગ કર્યો હતો
પતંગની લિફટિંગ ક્ષમતા ચકાસવા માટે કોડીએ લંડનમાં 2000 ફૂટની ઉંચાઇએ એક કરતા અનેક વાર પતંગ પ્રયોગો કર્યા હતા. 1903માં એલેકઝાન્ડર પેલેસ ખાતે કોડીની પતંગનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. તેણે એ સમયની ડબલ લાઇનિંગ કેનવાસવાળી બેરથન બોટમાં પતંગનો ઉપયોગ કરીને ઇગ્લીશ ચેનલ પણ પાર કરી હતી.
એ સમયે હવામાન જાણવા તથા મિલિટરી ઓબર્ઝવેશન માટે સાવ સાદી રચના ધરાવતા બલૂનનો પ્રાથમિક ધોરણે ઉપયોગ પ્રચલિત હતો. આ બલૂન જે સહેજ પવન વધી જાય તો પણ સાવ નકામા બની જતા હતા.એટલું જ નહી તે 16 ઓકટોબર 1908ના રોજ બ્રિટનમાં એરોપ્લેન ઉડાડનાર પ્રથમ વ્યકિત પણ હતો. સેમ્યુઅલના એર સાયન્સને લગતા પ્રયોગોને કારણે જ બલૂન તથા હેલિકોપ્ટરને લગતી શોધ વધુ સરળ બની હતી.






