આ ટાપુ પર માણસો કરતા વધુ છે બિલાડીઓ, તેમની પૂજા કરે છે ત્યાંના લોકો
જાપાનના ઉત્તર-પૂર્વમાં એક ટાપુ છે, જ્યાં માણસો કરતા વધુ બિલાડીઓ રહે છે. અહીં બિલાડીઓ રક્ષકોની ભૂમિકા ભજવે છે. અમે વાત

જાપાનના ઉત્તર-પૂર્વમાં એક ટાપુ છે, જ્યાં માણસો કરતા વધુ બિલાડીઓ રહે છે. અહીં બિલાડીઓ રક્ષકોની ભૂમિકા ભજવે છે. અમે વાત કરી રહ્યા છીએ તાશિરોજીમા ટાપુ વિશે, જ્યાં બિલાડીઓના સન્માનમાં 'નેકો નિન્જા' નામનું મંદિર છે, જે ટાપુવાસીઓ અને બિલાડીઓ વચ્ચેનું સુંદર બોન્ડિંગ દર્શાવે છે.
ઐતિહાસિક રીતે તાશિરોજીમા તેના રેશમ ઉત્પાદન માટે જાણીતું હતું. પહેલાના સમયમાં ખેડૂતોએ તેમના મૂલ્યવાન રેશમના કીડા કોકુનને ઉંદરોથી બચાવવા માટે બિલાડીઓ પાળી હતી. આ સિવાય અહીંના માછીમારો માનતા હતા કે બિલાડીઓ સારું નસીબ લાવે છે અને વધુ માછલી પકડવામાં મદદ કરે છે.
આ રીતે મંદિરનું નિર્માણ થયું
એક અહેવાલ મુજબ, એવું કહેવાય છે કે માછીમારો દરિયામાં જતા પહેલા હવામાનની આગાહી કરવા માટે બિલાડીઓની હિલચાલ પર નજર રાખતા હતા. એવું કહેવાય છે કે બિલાડીઓ અને અહીં રહેતા લોકો વચ્ચે ઘણી પેઢીઓથી ખૂબ જ સારો સંબંધ રહ્યો છે. એકવાર એક માછીમારે આકસ્મિક રીતે એક બિલાડીને ઘાયલ કરી હતી. જે પછી ટાપુવાસીઓએ સાથે મળીને બિલાડીના સન્માનમાં મંદિર બનાવ્યું હતું. આ ઘટના પછી, બિલાડી અને ટાપુવાસીઓ વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત બન્યું હતું.
સંસ્કૃતિ હજુ પણ ટકી રહી છે
આ ટાપુ મિયાગી પ્રાંતના ઈશિનોમાકી શહેરનો એક ભાગ છે, જે તોહોકુ ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં 2011માં શક્તિશાળી ભૂકંપને પગલે વિનાશક સુનામી આવી હતી. જો કે, આ કુદરતી આફત આવ્યા પછી પણ, ટાપુની સંસ્કૃતિ હજુ યથાવત છે.
માણસો કરતા વધુ બિલાડીઓ છે
અહેવાલ મુજબ, આજે તાશિરોજીમા ટાપુ પર 100થી વધુ બિલાડીઓ અને લગભગ 50 માણસોની વસ્તી છે. તેના શાંતિપૂર્ણ વાતાવરણ અને બિલાડીઓ સાથે લોકોના સુંદર સંબંધ માટે આ ટાપુ પ્રખ્યાત છે.








