VIDEO: દુબઈમાં આસમાને પહોંચ્યા ઘરના ભાડા: દર મહિને હજારો ખર્ચીને પણ નાનો રૂમ જ નસીબ
દુબઈનું નામ સાંભળતાં જ ઝાકઝમાળ, આલીશાન ઇમારતો અને લક્ઝરી લાઇફસ્ટાઇલ આંખો સામે આવી જાય છે. પરંતુ આ ચમક-ધમક ભરેલી દુનિયાનું કડવું સત્ય એ પણ છે કે અહીં રહેવું દરેક વ્યક્તિની વાત નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે દુબઈના આસમાને પહોંચેલા ભાડાની પોલ ખોલી છે. મહિલાનું આ દર્દ જોઈને દરેક કોઈ હેરાન છે.
45,000 રૂપિયામાં માત્ર એક રૂમ!
ઈન્સ્ટાગ્રામ પર સાક્ષી નામની એક ભારતીય મહિલાએ પોતાના વીડિયો દ્વારા દુબઈના મોંઘા હાઉસિંગ માર્કેટનો પર્દાફાશ કર્યો છે. સાક્ષી છેલ્લા એક વર્ષથી દુબઈમાં એક નાના રૂમમાં રહી રહી છે અને હવે તે બીજા એક આવા જ નાના રૂમમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે.
વીડિયોમાં પોતાનો રૂમ બતાવતાં તેણે કહ્યું, "આ નાના બોક્સ (ડબ્બા) જેવા રૂમ માટે હું દર મહિને લગભગ 45,000 રૂપિયા ખર્ચ કરું છું." તેણે આગળ જણાવ્યું કે જગ્યા ભલે નાની હોય અને બજેટ ખૂબ વધારે હોય, પરંતુ મજબૂરીમાં લોકોને આવું કરવું પડે છે.
ભારતનું 3BHK વિરુદ્ધ દુબઈનો નાનો રૂમ
સાક્ષીએ પોતાના વીડિયોમાં ભારત અને દુબઈના ભાડાની સરખામણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે કટાક્ષ કરતાં કહ્યું કે ભારતના અનેક શહેરોમાં 45,000 રૂપિયાના બજેટમાં સરળતાથી શાનદાર 3BHK ફ્લેટ મળી જાય છે, જ્યારે દુબઈમાં આટલા પૈસામાં માંડ-માંડ એક નાનો રૂમ કે કમ્પાર્ટમેન્ટ જ નસીબ થાય છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર
આ વીડિયો સામે આવતા જ ઈન્ટરનેટ પર ચર્ચા છેડાઈ ગઈ છે. દુબઈમાં રહેતા લોકો સાક્ષીના દર્દ સાથે પૂરેપૂરી સંમતિ દર્શાવી રહ્યા છે, તો બીજી તરફ ભારતના યુઝર્સ આ ભારેખમ ભાડું જોઈને આશ્ચર્યચકિત છે. એક યુઝરે કોમેન્ટ કરી, "એક નાના રૂમ માટે 45,000 રૂપિયા આપવા ખરેખર ચોંકાવનારૂં છે." બીજા યુઝરે લખ્યું, "દુબઈમાં રહેવાનો ખર્ચ ખરેખર બેકાબૂ થઈ ચૂક્યો છે." ઘણા લોકોએ લખ્યું કે દુબઈમાં રહેતા પ્રવાસીઓ આ ભાડાના દર્દને ખૂબ સારી રીતે સમજી શકે છે.

