રાજ ઠાકરેનો વિવેક ઓબેરોય અને આર માધવન પર આકરો પ્રહાર: 'ભારત એટલું સારું હોય તો દુબઈમાં કેમ રહો છો?'

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બોલિવૂડના અભિનેતાઓ પર સવાલ ઉભા કરી દીધા છે. બન્ને અભિનેતાઓના વિદેશ વસવાટને લઈને રાજ ઠાકરેએ આકરા પ્રહારો કર્યા અને ભારતની વર્તમાન સ્થિતિ મુદ્દે પણ ટિપ્પણી કરી. રાજ ઠાકરેએ કહ્યુ કે, જો અભિનેતા વિવેક ઓબેરોય અને આર માધવનને લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ભારતમાં બધું જ સરસ કરી દીધું છે, તો તેઓ દુબઈમાં કેમ વસી ગયા છે. મુંબઈમાં MNSના વિદ્યાર્થી સંગઠન 'મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના'ના એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું કે, દેશના હજારો ઉદ્યોગપતિઓએ પોતાના બોરિયા-બિસ્તરા સમેટી લીધા છે, અને દેશ છોડીને ચાલ્યા ગયા છે.
'વિવેક ઓબેરોય અને આર માધવન દુબઈમાં કેમ રહે છે'?
તેમણે 2019માં રિલીઝ થયેલી બાયોપિકનો ઉલ્લેખ કરતા કહ્યું, 'વિવેક ઓબેરોય, જેમણે મોદી પર ફિલ્મ બનાવી અને તેમાં મોદીનો રોલ ભજવ્યો, તેઓ પણ દુબઈમાં રહેવા ચાલ્યા ગયા છે. આર માધવન, જેમણે પીએમ મોદીના વખાણ કર્યા, તેઓ ક્યાં રહે છે? તેઓ દુબઈમાં રહે છે. તો જો તમને ભારતથી આટલો પ્રેમ છે, જો તમે પીએમ મોદીને પસંદ કરો છો, જો તમને લાગે છે કે, પીએમ મોદી ભારતનો વિકાસ કરી રહ્યા છે, તો પછી તમે વિદેશમાં કેમ રહી રહ્યા છો? પોતાના પરિવાર સાથે દુબઈમાં કેમ વસવાટ કરી રહ્યા છો?'
રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે, 'તેઓ અહીં આવશે, સરકાર પ્રાયોજિત ફિલ્મોમાં કામ કરશે, અને પછી દુબઈ પાછા ચાલ્યા જશે.' ઉલ્લેખનીય છે કે, આર માધવને જણાવ્યું હતું કે, તેઓ કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના પુત્રના સ્વિમિંગ કરિયર માટે દુબઈ ગયા હતા, જ્યારે વિવેક ઓબેરોયે કહ્યું છે કે, તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે દુબઈ ગયા હતા.
PM મોદી સામે અયોગ્ય ભાષા અને ટ્રોલિંગ પર બોલ્યા રાજ ઠાકરે
રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોમાં વપરાયેલી ભાષા અયોગ્ય હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સામે કે, કોઈ પણ વ્યક્તિ સામે આવી નીચી કક્ષાની ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ ભાજપે પોતાના સમર્થકો અને ટ્રોલ ટીમોને પણ આ વાત સમજાવવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, ભાજપની ટ્રોલ ટીમો મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધીથી લઈને ઠાકરે પરિવાર સુધીની જાણીતી હસ્તીઓને નિશાન બનાવે છે. જેવું વાવશો એવું લણશો, કહીને તેમણે ભાજપના ટ્રોલ્સ દ્વારા થતા અપશબ્દોની સંસ્કૃતિની ટીકા કરી હતી.

