દુબઈમાં 20 મિનિટમાં 7 વિસ્ફોટ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા; ઘટનાનો વીડિયો બનાવનારા બેની ધરપકડ

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર ખાડી દેશો પર પણ પડી છે. સૌથી સુરક્ષિત ગણાતા યુએઈ અને સાઉદી અરેબિયા પણ તેનાથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં અનેક વિસ્ફોટ સંભળાયા છે. 20 મિનિટમાં 7 વિસ્ફોટ થતાં આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
દુબઈમાં અનેક વિસ્ફોટથી આકાશ ધૂમાડાથી ઉભરાયું
દુબઈમાં ભયંકર વિસ્ફોદ બાદ આકાશ ધૂમાડાથી ઉભરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
20 મિનિટમાં 7 વિસ્ફોટ
ઈરાનની સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે, 20 મિનિટના ઓછા સમયમાં 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે, હજુ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાના લીધે થયો છે કે પછી ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ હતો. યુએઈની મીડિયાએ આ વિસ્ફોટના કારણની પુષ્ટિ કરી નથી. પરંતુ ઈરાનના સમાચાર આઉટલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યમન તરફથી યુએઈ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.
બંદર નજીક વેરહાઉસમાં આગ
નાસા થર્મલ ઈમેજરી દ્વારા બંદર નજીકના એક વેરહાઉસમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આ જગ્યા ફ્યૂલ સ્ટોરેજ અને ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. જેબેલ અલીએ યુએઈના મુખ્ય શોપિંગ હબમાંનું એક છે, જે દુબઈ શહેરથી લગભગ 25 માઈલ દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. પામ જેબેલ અલી એક કૃત્રિમ દ્વીપસમૂહ અને એક મુક્ત વેપાર ક્ષેત્ર છે જે આંતરરાષ્ટ્રીય શિપિંગને સુવિધા આપે છે.

