બ્રેકઅપ બાદ CEOએ ગર્લફ્રેન્ડ પાસે માંગ્યા ₹3.5 કરોડ, કહ્યું- ગિફ્ટ નહીં પણ લોન હતી

નવી દિલ્હી: સામાન્ય રીતે પ્રેમસંબંધ દરમિયાન કપલ એકબીજાને ગિફ્ટ આપે, સાથે ફરવા જાય અને એકબીજા પાછળ ખર્ચ કરે તે સામાન્ય બાબત છે. પરંતુ સિંગાપોરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બ્રેકઅપ બાદ પ્રેમસંબંધ દરમિયાન કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચને લઈને મામલો સીધો કોર્ટ (Court) સુધી પહોંચી ગયો.
TCI Expressના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO ચંદર અગ્રવાલે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ ફેલિશિયા લી પાસેથી લગભગ ₹3.5 કરોડની રકમ પરત માગી હતી. અગ્રવાલનો દાવો હતો કે તેમણે આ રકમ ગિફ્ટ તરીકે નહીં, પરંતુ વ્યાજમુક્ત લોન (Interest-Free Loan) તરીકે ખર્ચી હતી. બીજી તરફ ફેલિશિયા લીનું કહેવું હતું કે સંબંધ દરમિયાન પ્રેમથી કરવામાં આવેલા ખર્ચ અને આપવામાં આવેલી વસ્તુઓને હવે લોન કહીને પરત માગી શકાય નહીં.
આ મામલો સિંગાપોર હાઈ કોર્ટ (Singapore High Court) સુધી પહોંચ્યો હતો. કોર્ટે CEOની અરજી ફગાવી દેતા જણાવ્યું કે આ ખર્ચને લોન તરીકે નહીં પરંતુ ગિફ્ટ તરીકે જોવામાં આવે છે.
ફ્લાઇટમાં થઈ હતી બંનેની મુલાકાત
કોર્ટમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે ચંદર અગ્રવાલ અને ફેલિશિયા લીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક ફ્લાઇટ દરમિયાન થઈ હતી. ત્યારબાદ ચંદરે સોશિયલ મીડિયા (Social Media) મારફતે લીનો સંપર્ક કર્યો અને બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ.
સપ્ટેમ્બર 2022માં બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ શરૂ થયો હતો. જોકે, ડેટિંગ શરૂ થાય તે પહેલાંથી જ ચંદર અગ્રવાલ લી પાછળ મોટી રકમ ખર્ચવા લાગ્યા હતા.
મોંઘી ગિફ્ટથી લઈને લક્ઝરી ટ્રિપ સુધી
સંબંધ દરમિયાન અગ્રવાલે ફેલિશિયા લી માટે અનેક મોંઘી વસ્તુઓ ખરીદી હતી. કોર્ટમાં જે વસ્તુઓનો ઉલ્લેખ થયો તેમાં લુઈ વિટન (Louis Vuitton)નું હેન્ડબેગ, પ્રાડા (Prada)ના વાઉચર્સ અને એપલ હર્મિસની ઘડિયાળો જેવી લક્ઝરી વસ્તુઓ સામેલ હતી.
આ ઉપરાંત બંનેએ યુરોપની લક્ઝરી ટ્રિપ પણ કરી હતી. આ પ્રવાસ દરમિયાન બાર્સેલોના, લિસ્બન અને લંડન જેવા શહેરોની મુલાકાત લેવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસ અથવા સ્યુટ ક્લાસની ફ્લાઈટ્સ, મોંઘી હોટેલ્સ અને શોપિંગનો ખર્ચ પણ અગ્રવાલે ઉઠાવ્યો હતો.
બ્રેકઅપ બાદ બદલાઈ ગઈ આખી કહાની
સંબંધ ચાલતો હતો ત્યારે આ ખર્ચ કપલ વચ્ચેની સામાન્ય બાબત તરીકે જોવા મળતો હતો. પરંતુ બ્રેકઅપ બાદ આ જ ખર્ચને લઈને બંને વચ્ચે મોટો વિવાદ ઊભો થયો.
ચંદર અગ્રવાલે દલીલ કરી કે તેમણે કરેલો આશરે ₹3.5 કરોડનો ખર્ચ લોન તરીકે આપ્યો હતો અને તેથી તે રકમ પરત મળવી જોઈએ. બીજી તરફ, ફેલિશિયા લીના પક્ષે દલીલ કરવામાં આવી કે સંબંધ દરમિયાન આપવામાં આવેલી વસ્તુઓ અને કરાયેલા ખર્ચને ગિફ્ટ તરીકે જ જોવામાં આવે.
સિંગાપોર હાઈ કોર્ટે CEOની માંગને સ્વીકારી નહીં અને રકમને લોન માનવાનો ઇનકાર કર્યો. એટલે કે બ્રેકઅપ બાદ કરોડો રૂપિયા પરત મેળવવાની CEOની કાનૂની માંગને મોટો ઝટકો લાગ્યો.

