'માત્ર ત્રણથી ચાર મહિના બાકી...', યુવરાજ સિંહે જણાવી તેના જીવનના સૌથી મુશ્કેલ દિવસોની કરુણ કહાની

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાના જીવનના સૌથી મુશ્કેલ દિવસો યાદ કર્યા છે. તેણે ખુલાસો કર્યો છે કે તે 2011ના વર્લ્ડ કપ પછી કેન્સર સામે લડી રહ્યો હતો અને આ સમય દરમિયાન, તેને મૃત્યુની ઝલક જોવા મળી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ જીત્યા પછી યુવરાજ સિંહને કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ સમાચારે સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.
યુવરાજ વર્લ્ડ કપ જીતનો હીરો હતો અને તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ઘણી વખત મેદાન પર હિંમત બતાવી, ભારતને જીત અપાવી અને તેનાથી વધારે તેણે કેન્સરને હરાવવામાં હિંમત બતાવી હતી. કેન્સરને હરાવ્યા પછી તે ટીમ ઈન્ડિયામાં પાછા ફરવામાં સફળ રહ્યો હતો.
'માત્ર ત્રણથી છ મહિના બાકી છે'
યુવરાજ વર્લ્ડ કપ દરમિયાન જ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને તે ઘણી વખત મેદાન પર તકલીફમાં જોવા મળ્યો હતો. એક મેચ દરમિયાન તેને ઉલટી થઈ રહી હતી, પરંતુ ટુર્નામેન્ટ દરમિયાન તેને કંઈ ખબર નહતી. પછીથી, જ્યારે તેણે સારવાર લીધી, ત્યારે તેને તેના કેન્સર વિશે ખબર પડી. યુવરાજે કહ્યું કે ડોક્ટરોએ તેને કહ્યું કે તેની પાસે ત્રણથી છ મહિના બાકી છે.
યુવરાજે કેવિન પીટરસનના શોમાં કહ્યું, "જ્યારે તમને કહેવામાં આવે છે કે તમારી પાસે ત્રણથી છ મહિના બાકી છે, ત્યારે તમારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે તમે મરી જશો. ટ્યુમર મારા ફેફસાં અને હૃદય વચ્ચે હતું. ડોક્ટર્સે કહ્યું કે જો હું કીમોથેરાપી ન કરાવું, તો મને હાર્ટ એટેક આવી શકે છે."
યુવરાજે કહ્યું, "મને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મળી રહ્યું હતું. મેં તેના માટે સાત વર્ષ રાહ જોઈ અને લગભગ 40 મેચોમાં 12મો ખેલાડી હતો. હું રમવા માંગતો હતો, પરંતુ અમારી પાસે સારવાર માટે અમેરિકા જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો."
ડોક્ટરે ખાતરી આપી
યુવરાજ સિંહ માટે આ સમયગાળો ખૂબ જ મુશ્કેલ હતો. તે માનસિક અને શારીરિક રીતે પરેશાન હતો, પરંતુ ડોક્ટરે જે કહ્યું તેનાથી તેને હિંમત મળી. યુવરાજે કહ્યું, "જ્યારે ડો. ઈનહોર્ને મને કહ્યું કે તું એક એવી વ્યક્તિ તરીકે બહાર જશે જેને ક્યારેય કેન્સર થયું જ નહતું, ત્યારે તે શબ્દોએ મને શક્તિ આપી. જ્યારે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને મને કહેવામાં આવ્યું કે હું ફરીથી ક્રિકેટ રમી શકું છું, ત્યારે મને એવું લાગ્યું કે મને બીજું જીવન મળ્યું છે."

