WTC Points Table / વેસ્ટ ઈન્ડિઝને હરાવવા છતાં ભારત પોઈન્ટ્સ ટેબલમાં ન આવ્યું ઉપર, શું છે તેનું કારણ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસ પણ મેદાન પર ન ટકી શક્યું. આ સાથે શુભમન ગિલે કેપ્ટન તરીકે ભારતમાં પોતાની પહેલી ટેસ્ટ જીત નોંધાવી. જોકે, એક ઈનિંગ અને 140 રનથી પ્રભાવશાળી જીત મેળવવા છતાં, ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ્સ ટેબલમાં ફાયદો નથી થયો, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
ભારતને WTC પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફાયદો નથી થયો
WTC 2025-27માં ટીમ ઈન્ડિયાની આ છઠ્ઠી મેચ હતી. અગાઉ, ભારતે ઈંગ્લેન્ડમાં 5 મેચ રમી હતી, જેમાં 2 જીતી હતી અને એટલી જ મેચ હારી હતી. જ્યારે 1 એક મેચ ડ્રો થઈ હતી. હવે, વેસ્ટ ઈન્ડિઝને હરાવીને, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં પોતાની ત્રીજી જીત હાંસલ કરી છે. આ જીત સાથે, ભારતની જીતની ટકાવારી 46.67થી વધીને 55.56 થઈ ગઈ છે. જોકે, તે હજુ પણ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહે છે.
હકીકતમાં, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા WTC 2025-27 પોપોઈન્ટ્સ ટેબલમાં ભારતથી ઉપર ટોપ-2 સ્થાન પર છે. બંને ટીમોની જીતની ટકાવારી ભારત કરતા સારી છે. વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા પછી પણ, ટીમ ઈન્ડિયા જીતની ટકાવારીમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાથી પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે, જેના પરિણામે તેની જીતની ટકાવારી 100 છે. બીજી તરફ, શ્રીલંકા બે મેચમાં એક જીત અને એક ડ્રો સાથે બીજા સ્થાને છે, તેની જીતની ટકાવારી દર 66.67 છે.
વેસ્ટ ઈન્ડિઝ ખાતું ન ખોલી શક્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં વેસ્ટ ઈન્ડિઝનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે, તે હજુ સુધી જીતનું ખાતું નથી ખોલી શક્યું. તેણે ચાર મેચ રમી છે અને બધી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, તે પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. દરમિયાન, ઈંગ્લેન્ડ 5 મેચમાંથી 2 જીત, 2 હાર અને 1 ડ્રો સાથે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશે પણ 2 મેચ રમી છે અને એક પણ મેચ નથી જીતી, જોકે એક ડ્રો થવાને કારણે તે પાંચમા સ્થાને છે.

