રાહુલ દ્રવિડ પછી કોણ બનશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ? લક્ષ્મણ સહિત આ નામ ચર્ચામાં
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની શોધ શરૂ કરવામાં આવી છે. BCCIએ આ માટે અરજીઓ મંગાવી છે અને વર્તમાન કોચ દ્રવિડને પણ જો તે ઇચ્છે ત

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની શોધ શરૂ કરવામાં આવી છે. BCCIએ આ માટે અરજીઓ મંગાવી છે અને વર્તમાન કોચ દ્રવિડને પણ જો તે ઇચ્છે તો ફરી અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલના તબક્કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાની રેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સૌથી આગળ હોવાનું મનાય છે. દ્રવિડના કાર્યકાળ દરમિયાન કેટલાક પ્રવાસમાં લક્ષ્મણે જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી.
લક્ષ્મણની સાથે સાથે ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટેના સંભવિતોમાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર અને ભૂતપૂર્વ કોચ જસ્ટીન લેન્ગરનું નામ પણ ચર્ચાવા લાગ્યુ છે. નોંધપાત્ર છે કે વર્તમાન કોચ દ્રવિડની ટર્મ ટી-20 વર્લ્ડકપની સાથે પૂર્ણ થઇ જશે.
BCCIએ નવા કોચની ટર્મ ત્રણ વર્ષની નક્કી કરી છે જેમાં 2027નો વર્લ્ડકપ પણ સામેલ છે. કોચની વયમર્યાદા 60 વર્ષની રાખવામાં આવી છે. 49 વર્ષનો લક્ષ્મણ છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ ક્રિકેટ એકેડમીની જવાબદારી સંભાળી રહ્યો છે.
આ ઉપરાંત ઇન્ડિયા-એ અને અંડર-19ની ટીમની જવાબદારી પણ તેના શિરે છે. જેના કારણે તેના માર્ગદર્શનમાં બોર્ડ નવી ટીમ તૈયાર કરવાનું પસંદ કરશે તેમ લાગી રહ્યુ ંછે.
ફ્લેમિંગ સાથે બોર્ડની વાટાઘાટો શરૂ થઇ હોવાની અટકળો
બીસીસીઆઇએ હેડ કોચ માટે જાહેરાત આપતાં જ અટકળો શરૂ થઇ ચુકી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બોર્ડના ટોચના ઓફિશિઅલે ચેન્નાઇ સુપર કિગ્સના કોચ અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ફ્લેમિંગની સાથે પણ આ મામલે વાટાઘાટો શરૂ કરી દીધી છે. IPLમાં ચેન્નાઇની ટીમે જબરજસ્ત સફળતા મેળવી છે અને ફ્લેમિંગ વર્ષોથી ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ છે. આ કારણે તે ભારતીય ક્રિકેટના વર્તમાન દિગ્ગજો અને યુવા ખેલાડીઓની સાથે પણ પરિચીત છે.
ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે આ નામ પણ ચર્ચામાં
ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગનું નામ પણ ચર્ચામાં છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને IPLમાં ગુજરાત ટાઇટન્સના કોચ આશીષ નેહરાનું નામ પણ ચર્ચામાં છે. આ સિવાય ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગના નામની પણ ચર્ચા છે.








