મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જ્યારે વાનખેડેમાં 50 હજાર ભારતીય ફેન્સે લગાવ્યા વિદેશી ખેલાડીના નામના નારા, જોતા રહી ગયા રોહિત-વિરાટ

ભારતમાં ક્રિકેટનો ઘણો ક્રેઝ છે, દેશ કે વિદેશના કોઈપણ સ્ટેડિયમમાં ભારતની મેચ હોય ત્યાં ભારતીય ફેન

જ્યારે વાનખેડેમાં 50 હજાર ભારતીય ફેન્સે લગાવ્યા વિદેશી ખેલાડીના નામના નારા, જોતા રહી ગયા રોહિત-વિરાટ

ભારતમાં ક્રિકેટનો ઘણો ક્રેઝ છે, દેશ કે વિદેશના કોઈપણ સ્ટેડિયમમાં ભારતની મેચ હોય ત્યાં ભારતીય ફેન્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સપોર્ટ કરવા પહોંચી જાય છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ભારતના જ સ્ટેડિયમમાં અને ભારત સામેની જ મેચ દરમિયાન ભારતીય ફેન્સે અન્ય દેશના ખેલાડીના નામના નારા લગાવ્યા હોય? જો નહીં, તો અમે તમને જણાવી દઈએ કે આવું ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના હોમગ્રાઉન્ડ વાનખેડેમાં જ બન્યું છે. અને તે ક્રિકેટર અન્ય કોઈ નહીં પણ એબી ડી વિલિયર્સ છે.

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન અને મિસ્ટર 360, અબ્રાહમ બેન્જામિન ડી વિલિયર્સ આજે (17 ફેબ્રુઆરી) 41 વર્ષનો થયો છે. એબી ડી વિલિયર્સની ગણતરી ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ડી વિલિયર્સે સાઉથ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. પરંતુ તેના રમતના દિવસોમાં તેને ભારતીય ફેન્સ તરફથી જે પ્રેમ અને આદર મળ્યો તે દરેક વિદેશી ક્રિકેટરને નથી મળતો.

જ્યારે વાનખેડેમાં લાગ્યા એબી ડી વિલિયર્સના નામના નારા

આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એકવાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ODI મેચ દરમિયાન, એબી ડી વિલિયર્સના સપોર્ટમાં નારા લાગ્યા હતા, જેનાથી ભારતીય ખેલાડીઓ ચોંકી ગયા હતા. આ ઘટનાનો ખુલાસો ડી વિલિયર્સના નજીકના મિત્ર વિરાટ કોહલીએ કર્યો હતો, જે તે મેચનો ભાગ હતો.

વિરાટ કોહલીએ 2018માં એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, "જ્યારે એબી ડી વિલિયર્સ બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો, ત્યારે ફેન્સે એબી-એબીના નારા લગાવવાનું શરૂ કર્યું. રોહિત શર્મા મુંબઈનો છે અને તેણે ભીડને કહ્યું 'આ શું છે?' 50 હજાર લોકો "એબી-એબી" ના નારા લગાવી રહ્યા હતા." ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની તે મેચ 25 ઓક્ટોબર 2015ના રોજ રમાઈ હતી.

આ મેચમાં, એબી ડી વિલિયર્સે માત્ર 61 બોલમાં 11 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સની તોફાની ઈનિંગના આધારે સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવીને 438 રન બનાવ્યા. જવાબમાં, ભારત 439 રનના ટાર્ગેટ ચેઝ કરતી વખતે 36 ઓવરમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગયું. 214 રનની કારમી હાર સાથે, ટીમ ઈન્ડિયા પાંચ મેચની વનડે સિરીઝ પણ 2-3થી હારી ગઈ હતી.

એબી ડી વિલિયર્સેની કારકિર્દી

એબી ડી વિલિયર્સે સાઉથ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેચોમાં 50.66ની એવરેજથી 8,765 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 46 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 278 રનનો હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યા હતા. ડી વિલિયર્સે 228 વનડે મેચોમાં 53.50ની એવરેજથી 9,577 રન બનાવ્યા. ડી વિલિયર્સે વનડેમાં 25 સદી અને 53 અડધી સદી ફટકારી છે. એબી ડી વિલિયર્સનો વનડેમાં હાઈએસ્ટ સ્કોર 176 રન હતો, જે તેણે બાંગ્લાદેશ સામે બનાવ્યા હતા. ડી વિલિયર્સે પોતાના દેશ માટે 78 T20 મેચોમાં 1,672 રન બનાવ્યા હતા.

ડી વિલિયર્સે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે મેચમાં માત્ર 31 બોલમાં સદી ફટકારી હતી, જે હજુ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. 2015ના વનડે વર્લ્ડ કપમાં, સાઉથ આફ્રિકાની ટીમ ડી વિલિયર્સની કેપ્ટનશિપ હેઠળ સેમીફાઈનલમાં પહોંચી હતી. તે વર્લ્ડ કપમાં, સિડનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં, ડી વિલિયર્સે માત્ર 66 બોલમાં 162 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ જ મેચમાં, ડી વિલિયર્સે વનડેમાં સૌથી ઝડપી 150 રન (64 બોલમાં) બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ત્યારે ડી વિલિયર્સે એક ઓવરમાં 34 રન ફટકાર્યા હતા.

ડી વિલિયર્સેની IPL કારકિર્દી

એબી ડી વિલિયર્સે 23 મે 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, ડી વિલિયર્સે 2021 સિઝન સુધી IPLમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. IPLમાં, ડિવિલિયર્સ પહેલા દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો ભાગ બન્યો હતો. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીએ RCB માટે ઘણી યાદગાર પાર્ટનરશિપ કરી હતી. ડી વિલિયર્સે 184 IPL મેચમાં 39.70ની એવરેજથી 5,162 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો