વિરાટ કોહલીનું વધુ એક કારનામું, દિગ્ગજોના ક્લબમાં થયો સામેલ, આવું કરનાર એકમાત્ર સક્રિય ખેલાડી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો સેમીફાઈનલમાં પોતા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આજે બંને ટીમો જીત મેળવીને ગ્રુપમાં ટોપ પર રહેવાનું લક્ષ્ય ધરાવે છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણાના સ્થાને સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વરુણ પહેલી વાર કોઈ ICC ટૂર્નામેન્ટમાં ભારત માટે ODI મેચ રમી રહ્યો છે. તાજેતરમાં જ તેણે ODI ડેબ્યૂ કર્યું હતું.
આ દરમિયાન, વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થતા જ ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી આજે પોતાની 300મી ODI મેચ રમી રહ્યો છે. આ રીતે, તે ODIમાં 300 મેચ રમનાર 7મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા ભારત માટે સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહે 300 વનડે મેચ રમી હતી. કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની 300મી ODI મેચ રમનાર પાંચમો ભારતીય ખેલાડી છે. ધોની અને ગાંગુલી જ બે એવા ખેલાડીઓ છે જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી સિવાય પોતાની 300મી ODI મેચ રમી છે.
સૌથી વધુ ODI મેચ રમનારા ભારતીય ખેલાડીઓ
- સચિન તેંડુલકર - 463 મેચ
- મહેન્દ્ર સિંહ ધોની - 350 મેચ
- રાહુલ દ્રવિડ - 344 મેચ
- મોહમ્મદ અઝહરુદ્દીન - 334 મેચ
- સૌરવ ગાંગુલી - 311 મેચ
- યુવરાજ સિંહ – 304 મેચ
- વિરાટ કોહલી - 300 મેચ
વિરાટ કોહલી એકમાત્ર સક્રિય ખેલાડી છે જેણે 300 ODI મેચ રમી છે. ODIમાં સૌથી વધુ મેચ રમનારા સક્રિય ખેલાડીઓમાં મુશફિકુર રહીમ બીજા સ્થાને છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. મુશફિકુર રહીમે બાંગ્લાદેશ માટે 274 ODI મેચ રમી છે જ્યારે રોહિત શર્મા આજે પોતાની 271મી ODI મેચ રમી રહ્યો છે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનારા સક્રિય ખેલાડીઓ
- વિરાટ કોહલી (ભારત) - 300
- મુશફિકુર રહીમ (બાંગ્લાદેશ) - 274
- રોહિત શર્મા (ભારત) - 271
- મહમુદુલ્લાહ (બાંગ્લાદેશ) - 239
- રવિન્દ્ર જાડેજા (ભારત) - 202
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ભારત માટે 299 ODI મેચની 287 ઈનિંગ્સમાં 58.20ની એવરેજથી 14,085 રન બનાવ્યા છે. જેમાં 51 સદી અને 73 અડધી સદીનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી કોહલી ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલી સંગાકારાનો રેકોર્ડ તોડવાથી માત્ર 150 રન દૂર છે.






