'તમે ફક્ત ત્યારે જ નિષ્ફળ...' નિવૃત્તિ કે વર્લ્ડ કપની તૈયારી? ઓસ્ટ્રેલિયા પહોંચતા જ વિરાટ કોહલીએ X પર કરી ક્રિપ્ટીક પોસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ત્રણ મેચની ODI સિરીઝ પહેલા વિરાટ કોહલીએ X (અગાઉ ટ્વિટર) પર એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે. કોહલી, જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ પર્સનલ મેસેજ શેર કરે છે, તેણે આ વખતે તેના ફેન્સ માટે એક એવી પોસ્ટ શેર કરી જેનું અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
કોહલીએ લખ્યું, "તમે ખરેખર ત્યારે જ નિષ્ફળ જાઓ છો જ્યારે તમે હાર માની લો છો." આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ફેન્સ તેનો અર્થ શું હોઈ શકે તે અંગે ચર્ચા કરી રહ્યા છે. કેટલાકે કમેન્ટ કરી હતી કે તે નિવૃત્તિની તૈયારી કરી રહ્યો છે, જ્યારે અન્ય લોકોએ લખ્યું હતું કે તે 2027 વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 15 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ રમવાની છે.
કોહલીની વાત કરીએ તો, તેણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બાર્બાડોસમાં વર્લ્ડ કપ જીત્યા પછી તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કિંગ કોહલીએ પણ આ વર્ષે 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તે ODI ફોર્મેટ માટે પ્રતિબદ્ધ છે. કોહલી આ વર્ષે ફક્ત ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ ટીમ ઈન્ડિયા માટે રમતો દેખાયો હતો. હવે, કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં રમતો જોવા મળશે, જેમાં રોહિત શર્મા પણ ટીમમાં છે. કોહલી અને રોહિત નવા ODI કેપ્ટન શુભમન ગિલ હેઠળ આ સિરીઝ રમશે.
ઓસ્ટ્રેલિયા માટે ભારતની 15 સભ્યોની ODI ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અને યશસ્વી જયસ્વાલ.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI શેડ્યૂલ
19 ઓક્ટોબર - પહેલી ODI, પર્થ
23 ઓક્ટોબર - બીજી ODI, એડિલેડ
25 ઓક્ટોબર - ત્રીજી ODI, સિડની

