T20 World Cup 2026 માટે ક્વોલિફાય થઈ વધુ બે ટીમો, હવે માત્ર એક સ્પોટ માટે થશે ટક્કર

આવતા વર્ષે એટલે કે 2026માં મેન્સ T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજવાનો છે. આ વવર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે. આ 20માંથી 17 ટીમો નક્કી થઈ ગઈ હતી, અને હવે વધુ બે ટીમો T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બુધવાર, 15 ઓક્ટોબર, નેપાળ અને ઓમાન માટે ખાસ દિવસ હતો. નેપાળે સતત બીજી વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું. નેપાળની સાથે, ઓમાને પણ ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. નેપાળ અને ઓમાન એશિયા અને એશિયા પેસિફિક ક્વોલિફાયર દ્વારા આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા છે. આમ, 20માંથી 19 ટીમો આ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
સમોઆ સામે UAEની જીત અને ગુરુવારે UAEની જાપાન સાથેની ટક્કર સાથે, તે નિશ્ચિત છે કે ઓમાન અને નેપાળ ટોપ ત્રણમાં સ્થાન મેળવશે. ICC એ સુપર સિક્સ મેચો પહેલા તેમની ક્વોલિફિકેશનની પુષ્ટિ કરી હતી. UAE અને કતાર સામે છેલ્લા બોલે વિજય મેળવનાર નેપાળે અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતી છે. દીપેન્દ્ર સિંહ એરીએ છેલ્લા બોલે છગ્ગો મારીને UAE સામે ટીમને જીત અપાવી હતી.
ઓમાન અને નેપાળ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે, પરંતુ UAE, જાપાન, કતાર અને સમોઆ હજુ પણ તેના સ્થાન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે પણ ટીમ ટોપ 3માં સ્થાન મેળવશે તેને આ ટુર્નામેન્ટમાં રમવાની તક મળશે. આ સાથે, બધી 20 ટીમો નક્કી થઈ જશે, જે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રમશે. નેપાળ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે, જેના કારણે તે સતત બીજી વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. તાજેતરમાં, આફ્રિકા ક્વોલિફાયર ટીમોની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે વર્લ્ડ કપમાં ભાગ લેશે.

