VIDEO / મેદાન પર ટકરાતા કોહલી-ગંભીરનો હાઈ વોલ્ટેજ ઇન્ટરવ્યુ, બંનેએ પત્રકાર બનીને ખેંચ્યા એકબીજાના પગ
ચેન્નાઈમાં બાંગ્લાદેશ સાથેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હે

ચેન્નાઈમાં બાંગ્લાદેશ સાથેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર એક અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા. બંનેએ પત્રકાર બનીને એકબીજાનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાની શાનદાર ઈનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન કોહલીએ ગંભીરને એવો સવાલ પૂછ્યો, જેના પર ગંભીર જોર જોરથી હસવા લાગ્યો. ઇન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે અમારા બંને માટે આ એક મસાલેદાર ઇન્ટરવ્યુ છે.
BCCIએ આ ખાસ ઇન્ટરવ્યુનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાન પર તેમનું મન કેવી રીતે કામ કરે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો ઇન્ટરવ્યુ છે. જેમાં તેઓ એકબીજાની પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા.
IPL 2023 અને તે પહેલા 2013માં કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. પરંતુ IPL 2024 અને ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન હેડ કોચ ગંભીરે વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કર્યો, જેમાં કિંગ કોહલીએ ઘણા રન બનાવ્યા હતા. 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી.
ગંભીરે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પોતાની ઈનિંગ્સની પણ ચર્ચા કરી હતી. જ્યાં તે સતત બે દિવસ સુધી મેદાન પર અડગ ઉભો રહ્યો, પરિણામે ભારતે તે મેચ ડ્રો કરી હતી. જેમાં ગંભીરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તે મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 619 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 305 રન બનાવી શકી હતી, જે બાદ ટીમે ફોલોઓન કર્યું હતું. ગંભીરે બીજી ઈનિંગમાં 436 બોલમાં 137 રન બનાવ્યા અને બે દિવસના સમયગાળામાં 643 મિનિટ સુધી રમ્યો. બાદમાં વેલિંગ્ટનમાં વધુ એક ડ્રો બાદ ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી.
કોહલી સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે તેને નથી લાગતું કે તે તેના જીવનમાં ફરી ક્યારેય આવું કરી શકશે. તે કદાચ ફરી ક્યારેય આવા ઝોનમાં આવી શકશે નહીં.
મેદાન પર થયેલા વિવાદ પર ગંભીર-કોહલીએ શું કહ્યું?
આ દરમિયાન કિંગ કોહલીએ ગૌતમ ગંભીરને પૂછ્યું કે, "જ્યારે તમે વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે વાત કરો છો, ત્યારે શું એવું લાગે છે કે તમે તમારા ઝોનમાંથી બહાર જઈ રહ્યા છો કે તેનાથી તમને વધુ પ્રેરણા મળે છે?"
આ સાંભળીને ગંભીરે કોહલીને કહ્યું, મારા કરતા વધારે તકરાર તો તમારી થાય છે. મને લાગે છે કે તમે આનો વધુ સારી રીતે જવાબ આપી શકશો." આટલું કહેતા જ બંને હસવા લાગ્યા.
ત્યારબાદ કોહલીએ હસીને ગંભીરને કહ્યું, "હું હમણાં જ શોધી રહ્યો છું કે કોઈ મારી સાથે સહમત છે કે નહીં. હું એમ નથી કહેતો કે આ ખોટું છે, પણ કોઈએ કહેવું જોઈએ કે 'હા' આવું જ થાય છે."








