Irani Cup 2025 / રણજી ચેમ્પિયન વિદર્ભે જીત્યો ઈરાની કપનો ખિતાબ, રેસ્ટ ઓફ ઈન્ડિયાને 93 રનથી હરાવ્યું

ઈરાની કપ 2025-26 મેચ રણજી ચેમ્પિયન વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાઈ હતી. નાગપુર મેદાન પર રમાયેલી આ મેચમાં વિદર્ભે ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો. આ મેચમાં વિદર્ભે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રેસ્ટ ઓફ ઈન્ડિયા છેલ્લી ઈનિંગમાં લડાયક પ્રદર્શન છતાં પણ જીત ન મેળવી શક્યું. વિદર્ભે અગાઉ 2017-18 અને 2018-19 સોઝનમાં ઈરાની કપ જીત્યો હતો.
અથર્વ તાઈડેની શાનદાર ઈનિંગ
વિદર્ભે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 342 રન બનાવ્યા. ઓપનર અથર્વ તાઈડેએ શાનદાર ઈનિંગ રમી. અથર્વ તાઈડેએ 283 બોલમાં 143 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. યશ રાઠોડે પણ 91 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી આકાશ દીપ અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી.
તેના જવાબમાં, રેસ્ટ ઓફ ઈન્ડિયાની બેટિંગ પ્રભાવશાળી નહતી રહી, અને ટીમ 69.5 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રજત પાટીદારે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અભિમન્યુ ઈશ્વરને 52 રન બનાવ્યા હતા. યશ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો, તેણે આ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. હર્ષ દુબે અને પાર્થ રેખાડેએ પણ 2-2 વિકેટ લીધી હતી.
વિદર્ભે બોર્ડ પર મોટો લક્ષ્ય રાખ્યો
પહેલી ઈનિંગમાં લીડ મેળવ્યા બાદ, વિદર્ભે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે બીજી ઇનિંગમાં કુલ 232 રન બનાવ્યા, જેનાથી રેસ્ટ ઓફ ઇન્ડિયાને જીત માટે 361 રનનો ટાર્ગેટ મળ્યો. જોકે, રેસ્ટ ઓફ ઇન્ડિયા 267 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ ઈનિંગમાં હર્ષ દુબેએ સૌથી વધુ વિકેટ લીધી, તેણે 4 વિકેટ લીધી. યશ ઠાકુર અને આદિત્ય ઠાકરેએ 2-2 વિકેટ લીધી હતી.

