Harjas Singh Triple Century in ODI: આ ખેલાડીએ 50 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારીને સનસનાટી મચાવી

ક્રિકેટ જગતમાં રોજ નવા રેકોર્ડ બનતા રહે છે. હવે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના હરજસ સિંહે 50 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. તેણે ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 314 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. 141 બોલ સુધી ચાલેલી આ ઇનિંગમાં તેણે 35 છગ્ગા ફટકાર્યા હતા, જેમાં ફક્ત છગ્ગાથી જ 210 રન બનાવ્યા હતા.
20 વર્ષીય હરજસ સિંહનો ક્રિકેટ જગતમાં ધમાકો
શનિવારે એટલે કે ગઈ કાલે 4 ઓક્ટોબરના રોજ બીજા રાઉન્ડની મેચમાં વેસ્ટર્ન સબર્બ્સ તરફથી રમતા સિડની સામે હરજસે આ ત્રેવડી સદી ફટકારી હતી. નિકોલસ કટલર અને જોશુઆ ક્લાર્ક વચ્ચે 70 રનની ભાગીદારી બાદ તે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. હરજસ સિંહે શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી, પરંતુ પછી તેણે પગ જમાવતા જોરદાર છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કર્યું.
33 બોલમાં અડધી અને 74 બોલમાં સદી પૂરી કરી
આ ઈનિંગમાં હરજસ સિંહે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. પછી તે થોડા સમય માટે ધીમો પડી ગયો અને 74 બોલમાં પોતાની સદી પૂરી કરી. પરંતુ તે પછી મેદાન પર તેનો એક અલગ જ દેખાવ જોવા મળ્યો; તેણે દરેક બોલરને હંફાવ્યા હતા.
બાઉન્ડ્રી દ્વારા 258 રન બનાવ્યા, બીજી સદી માટે 29 બોલ રમ્યા
હરજસ સિંહે તેની 314 રનની ઇનિંગમાં 35 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમાં તેણે છગ્ગાથી 210 અને ચોગ્ગાથી 48 રન બનાવ્યા હતા. તેણે ફક્ત બાઉન્ડ્રી દ્વારા 258 રન બનાવ્યા હતા. તેણે તેની પહેલી સદી માટે 74 બોલ રમ્યા, પણ તેની બીજી સદી ફક્ત 29 બોલમાં આવી. હરજસે 132 બોલમાં તેની ત્રેવડી સદી પૂરી કરી, અને છેલ્લી ઓવરમાં 314 રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટર્ન સબર્બ્સે હરજસની ધમાકેદાર ઇનિંગને કારણે 483 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
હરજસ ઓસ્ટ્રેલિયા માટે U19 વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે
હરજસ સિંહ 2024 અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો, તેણે ભારત સામેની ફાઇનલમાં 55 રન બનાવ્યા હતા. ત્રેવડી સદી ફટકાર્યા પછી હરજસ સિંહે કહ્યું, "હું ફક્ત સદી ફટકારીને ખુશ હતો કારણ કે મેં મારી માતાને કહ્યું હતું કે, જો હું આ મેચમાં સદી ફટકારીશ, તો શું તમે મને તમારી કાર ચલાવવા દેશો."
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા નંબર 1
સૌથી વધુ વ્યક્તિગત ODI ઇનિંગ્સનો રેકોર્ડ હજુ પણ રોહિત શર્માના નામે જ છે, જેણે 13 નવેમ્બર, 2014ના રોજ શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. 173 બોલમાં આવેલી આ ઇનિંગ્સમાં રોહિતે 9 છગ્ગા અને 33 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વિરાટ કોહલી સાથે ટીમમાં તેની પસંદગી કરાઈ છે, પરંતુ તે હવે કેપ્ટન નથી.

