VIDEO: IPLમાંથી બહાર થવા પર ઈમોશનલ થઈ ગયો વૈભવ સૂર્યવંશી, ટીમના સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના
કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સફરનો આખરે અંત આવ્યો છે. શુક્રવારે (29 મે) મુલ્લાનપુરમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) સામે રાજસ્થાન રોયલ્સનો 7 વિકેટે પરાજય થયો હતો અને આ સાથે જ તેનું ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં 31 મેના રોજ તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે.
ડગઆઉટમાં એકલો બેસીને રડતો રહ્યો વૈભવ
રાજસ્થાન રોયલ્સની હાર બાદ સૌથી ભાવુક દૃશ્ય ડગઆઉટમાંથી સામે આવ્યું હતું. માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટીમની હારથી અત્યંત નિરાશ થઈને એકલો બેઠેલો જોવા મળ્યો હતો. તેની આંખોમાં આંસુ સાફ દેખાતા હતા. જ્યારે ટીમનો એક સપોર્ટ સ્ટાફ મેમ્બર તેને સાંત્વના આપીને તેનો ઉત્સાહ વધારતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ભાવુક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ આ યુવા ખેલાડીનું દુઃખ અનુભવી રહ્યા છે.
સદી ચૂક્યો પણ તોફાની ઇનિંગ્સથી ફેન્સના દિલ જીત્યા
ભલે રાજસ્થાન મેચ હારી ગયું, પરંતુ વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પણ છે. આટલી મોટી મેચના દબાણમાં પણ તેણે બેખોફ અંદાજમાં બેટિંગ કરી અને ગુજરાત ટાઈટન્સના બોલર્સની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. આ યુવા બેટ્સમેન માત્ર 4 રન માટે પોતાની સદી ચૂક્યો હતો, પરંતુ તેની આ વિસ્ફોટક ઈનિંગ્સે સ્ટેડિયમમાં હાજર તમામ ફેન્સને રોમાંચિત કરી દીધા હતા.
સિઝનમાં 776 રન અને 237થી વધુનો સ્ટ્રાઇક રેટ!
સમગ્ર IPL 2026 સિઝનમાં વૈભવ સૂર્યવંશીનું બેટ સતત રન મશીન સ્વરૂપે જ આવતું હતું. દુનિયાભરના દિગ્ગજ T20 સ્ટાર્સથી ભરેલી આ ટુર્નામેન્ટમાં 15 વર્ષના આ બાળકે જે આત્મવિશ્વાસ અને આક્રમકતા બતાવી તેનાથી ક્રિકેટ જગત આશ્ચર્યચકિત છે. વૈભવે આ સિઝનમાં 48.76ની શાનદાર એવરેજથી 776 રન ફટકાર્યા છે. માત્ર રન જ નહીં, પણ તેનો રમવાનો અંદાજ અકલ્પનીય રહ્યો છે. તેણે આખી સીઝનમાં 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે, જે T20 ક્રિકેટમાં કોઈ સપના સમાન આંકડો છે.
ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, એક સિઝનમાં સૌથી વધુ 72 સિક્સ
સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં રેકોર્ડબ્રેક 72 સિક્સ ફટકારી છે, જે IPLના ઈતિહાસમાં કોઈ એક સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી વધુ સિક્સ છે. આ મામલામાં તેણે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે. આ સિઝનમાં અભિષેક 43 સિક્સ સાથે બીજા અને રજત પાટીદાર 41 સિક્સ સાથે ત્રીજા સ્થાને છે.
આ યાદગાર સિઝનમાં વૈભવે એક સદી ફટકારી છે અને ત્રણ વખત 'નર્વસ નાઈન્ટીઝ' (90થી 99 રનની વચ્ચે) નો શિકાર બન્યો છે. ભલે રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં ન પહોંચી શકી, પરંતુ આ યુવા ખેલાડીએ આખી દુનિયાને બતાવી દીધું છે કે ભારતીય ક્રિકેટને આવનારા સમય માટે એક નવો સુપરસ્ટાર મળી ગયો છે.

