Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi gave a heart-warming reply after missing a century

VIDEO: સદી ચૂકવા પર વૈભવ સૂર્યવંશીએ આપ્યો દિલ જીતી લે તેવો જવાબ, કહ્યું-'કોઈ વ્યક્તિગત રેકોર્ડ...'

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. મુલ્લાનપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને મેળવેલી ભવ્ય જીત બાદ હવે આગામી મેચ માટે ગુજરાત ટાઈટન્સ (GT) માટે પણ જોખમની ઘંટી વાગી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ હવે શુક્રવારે (29 મે) આ જ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ટાઈટલ માટે જંગ ખેલશે.

App Store

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવી તબાહી: 29 બોલમાં 97 રન!

રાજસ્થાનની આ વિસ્ફોટક જીતનો સૌથી મોટો હીરો 15 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો. વૈભવે હૈદરાબાદના બોલરોની લાઈન-લેન્થ બગાડતા માત્ર 29 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમીને મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સેન્ચુરી ચૂકી જવા પર વૈભવે આપ્યો દિલ જીતી લે તેવો જવાબ

IPL ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી (સૌથી ઝડપી સદી) ચૂકવા અંગે જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પરિપક્વતા બતાવતા કહ્યું કે, "હું જ્યારે આઉટ થઈને પવેલિયન પરત ફર્યો ત્યારે મને ખબર પડી કે હું કોઈ રેકોર્ડની નજીક હતો. મારું ફોકસ કોઈ વ્યક્તિગત રેકોર્ડ પર નહીં, પરંતુ ટીમ માટે વધુમાં વધુ યોગદાન આપવા પર હતું. સદી તો ભવિષ્યમાં પણ બનશે, પરંતુ અત્યારે અમારો એકમાત્ર ટાર્ગેટ IPL ટ્રોફી જીતવાનો છે." વૈભવે ઉમેર્યું કે, તે વિરોધી ટીમની રણનીતિ પર વધારે ધ્યાન નથી આપતો. તે મેચ પહેલા માત્ર બોલર્સ, વિકેટનું વલણ અને બાઉન્ડ્રીની સાઈઝ સમજી લે છે. જો બેટ્સમેન પોઝિટિવ માઈન્ડસેટ સાથે રમે, તો પ્રેશર આપોઆપ બોલર્સ પર આવી જાય છે.

ગુજરાત ટાઈટન્સ માટે કેમ વધી ચિંતા?

રાજસ્થાન રોયલ્સ માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે ટીમ અત્યારે સુપર ફોર્મમાં જોવા મળી રહી છે. વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત જોફ્રા આર્ચરની ઘાતક સ્પીડ વિરોધી ટીમો માટે સતત મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ક્વોલિફાયર-2ની મેચ પણ મુલ્લાનપુરના આ જ મેદાન પર રમવાની હોવાથી રાજસ્થાન અહીંની પિચ અને પરિસ્થિતિઓથી હવે સંપૂર્ણ વાકેફ થઈ ચૂક્યું છે. ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા છે કે શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલની ટિકિટ મેળવવા માટે કાંટાની ટક્કર જોવા મળશે.