ગુજરાતના ઉર્વીલે તોડ્યો પંતનો રેકોર્ડ, T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો
ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે જોરદાર ઈનિંગ રમીને રિ

ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે જોરદાર ઈનિંગ રમીને રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વિલે માત્ર 28 બોલમાં સદી ફટકારી અને T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઉર્વિલ પહેલા આ રેકોર્ડ પંતના નામે હતો જેણે 2018માં આ જ ટૂર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો: IND vs AUS / ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, બીજી ટેસ્ટ પણ મિસ કરી શકે છે આ ખેલાડી
ઉર્વિલે પોતાની ઈનિંગમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઉર્વીલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા અને ગુજરાતને આઠ વિકેટે જીત અપાવી. પ્રથમ બેટિંગ કરતા ત્રિપુરાએ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં બે વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વીલે આર્યન દેસાઈ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન
આ સાથે ઉર્વિલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. તેનાથી આગળ માત્ર એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ છે જેણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે, IPL 2025 માટે તાજેતરમાં પૂર્ણ થયેલી મેગા ઓક્શનમાં ઉર્વીલને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. બે દિવસ પછી જ ઉર્વીલે પોતાની તાકાત બતાવી.
T20 ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ
| બેટ્સમેન | બોલ | ટીમ | વિરોધી ટીમ | વર્ષ |
| સાહિલ ચૌહાણ | 27 | એસ્ટોનિયા | સાયપ્રસ | 2024 |
| ઉર્વીલ પટેલ | 28 | ગુજરાત | ત્રિપુરા | 2024 |
| ક્રિસ ગેલ | 30 | આરસીબી | પુણે વોરિયર્સ | 2013 |
ગયા વર્ષે આ જ દિવસે ફટકારી હતી બીજી સૌથી ઝડપી સદી
આ પહેલા ગત વર્ષે 27 નવેમ્બરે ઉર્વીલે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી, જે લિસ્ટ A ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી હતી. આ મામલે યુસુફ પઠાણ તેનાથી આગળ હતો જેણે 2009-10માં 40 બોલમાં સદી ફટકારી હતી.






