વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે 8 વર્ષ પહેલા IPLમાં બનાવ્યો હતો આ રેકોર્ડ, આજ સુધી કોઈ નથી તોડી શક્યું
IPL 2024માં વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી માટે આ સિઝન તેની કારકિર્દીની

IPL 2024માં વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી માટે આ સિઝન તેની કારકિર્દીની બીજી સર્વશ્રેષ્ઠ IPL સિઝન રહી છે. 2016માં 973 રનના આંકડાને સ્પર્શ્યા બાદ કોહલીએ IPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. દરમિયાન, અમે તમને વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના તે રેકોર્ડ વિશે જણાવીશું, જે બંનેએ આજથી 8 વર્ષ પહેલા એટલે કે 14 મે, 2016ના રોજ બનાવ્યો હતો. પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું.
IPLના ઈતિહાસમાં રનના મામલે સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના નામે છે. 2016માં ગુજરાત લાયન્સ સામે રમતા બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 97 બોલમાં 229 રનની પાર્ટનરશિપ કરી હતી. કોહલી અને ડી વિલિયર્સ બંનેએ આ મેચમાં સદી ફટકારી હતી.
એબી ડી વિલિયર્સે 52 બોલમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી અણનમ 129 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 248.08ની હતી. બીજી તરફ કિંગ કોહલીએ 55 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીની સ્ટ્રાઈક રેટ 198.18ની હતી. ડી વિલિયર્સ અને કોહલીની શાનદાર પાર્ટનરશિપના કારણે RCBએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 248 રન બનાવ્યા હતા.
RCBએ આ મેચ 144 રને જીતી હતી
RCB સામેની મેચમાં 249 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત લાયન્સની ટીમ 18.4 ઓવરમાં 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એરોન ફિન્ચે ટીમ માટે 38 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. ક્રિસ જોર્ડને RCB તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય યજવેન્દ્ર ચહલે 3 વિકેટ પોતાના નામે કરી હતી. તેમજ સચિન બેબીએ 2 અને શ્રીનાથ અરવિંદે 1 વિકેટ ઝડપી હતી.






