U19 World Cup 2026 / આજે સેમીફાઈનલમાં ટકરાશે ભારત અને અફઘાનિસ્તાન, વૈભવ સૂર્યવંશી પર હશે નજર

ભારત U19 વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે અત્યાર સુધીમાં પાંચ વખત - 2000, 2008, 2012, 2018 અને 2022માં ટાઈટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાની નજર હવે છઠ્ઠા ટાઈટલ પર છે અને આજે (4 ફેબ્રુઆરી) સેમીફાઈનલમાં જીત એ દિશામાં વધુ એક મજબૂત પગલું હશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સેમીફાઈનલ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 1:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા થશે.
ભારતની અત્યાર સુધીની સફર
ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સમગ્ર ટુર્નામેન્ટમાં અત્યંત સંતુલિત અને મજબૂત રહ્યું છે. ગ્રુપ સ્ટેજથી સુપર સિક્સ સ્ટેજ સુધી ભારતે તેની પાંચેય મેચ જીતી હતી. ખાસ કરીને સુપર સિક્સ સ્ટેજમાં પાકિસ્તાન સામે 58 રનની જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધુ વધ્યો. ભારતે બેટિંગ અને બોલિંગ બંનેમાં વિરોધી ટીમ પર પ્રભુત્વ મેળવ્યું છે, જેનાથી તેને નોકઆઉટ સ્ટેજમાં આગળ વધવામાં મદદ મળી છે.
અફઘાનિસ્તાનનું પ્રદર્શન
અફઘાનિસ્તાનનું અભિયાન પણ પ્રશંસનીય રહ્યું છે, તેણે તેની પાંચમાંથી ચાર મેચ જીતી છે. તેને એકમાત્ર હાર શ્રીલંકા સામે મળી હતી. અફઘાન ટીમે લડાયક ભાવના દર્શાવી છે અને તે ભારતને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. જોકે, અનુભવ, ઊંડાણ અને કોમ્બિનેશનની દૃષ્ટિએ ભારતનું પલડું ભારે હોય તેવું લાગે છે.
ભારતીય બેટિંગની તાકત
વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુ ભારતનો સૌથી વિશ્વસનીય બેટ્સમેન રહ્યો છે. તેણે પાંચ મેચમાં બે અડધી સદી સહિત 199 રન બનાવ્યા છે. આ લેફટી બેટ્સમેન પાસેથી સેમીફાઈનલમાં પણ મોટી ઈનિંગ રમવાની અપેક્ષા રાખવામાં આવશે.
ઓપનર વૈભવ સૂર્યવંશીએ પણ મજબૂત શરૂઆત આપી છે. તેણે પાંચ મેચમાં 196 રન બનાવ્યા છે અને બે અડધી સદી ફટકારી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઈચ્છશે કે તે આ વખતે તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરે.
ઓલરાઉન્ડર વિહાન મલ્હોત્રા ભારતનો એક્સ-ફેક્ટર સાબિત થયો છે. તેણે અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં 172 રન બનાવ્યા છે અને ભારત તરફથી આ વર્લ્ડ કપની એક માત્ર સદી પણ તેના બેટમાંથી આવી છે. વિહાને ઝિમ્બાબ્વે 107 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા.
નિર્ણાયક પરિબળ શું હશે?
જો ભારતનો ટોપ ઓર્ડર મજબૂત શરૂઆત આપે અને બોલર્સ શરૂઆતમાં વિકેટ લેવામાં સફળ થાય, તો અફઘાનિસ્તાન માટે મેચ અત્યંત મુશ્કેલ બની શકે છે. જ્યારે અફઘાન ટીમ માટે ચમત્કારિક પ્રદર્શન જ ફાઈનલનો રસ્તો ખોલી શકે છે. આજની સેમીફાઈનલ જીતનાર ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ટકરાશે.

