ટોરેન્ટ જુથ બનશે IPL ટીમ ગુજરાત ટાઇટન્સના નવા માલિક, 60 ટકાથી વધુનો હિસ્સો ખરીદશે
Torrent Group is set to acquire a majority stake in the IPL franchise Gujarat Titans | અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો અંદાજે 60

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો અંદાજે 60 ટકાથી વધુ હિસ્સો સી.વી.સી.કેપિટલ પાસેથી ખરીદશે. યુરોપિયન કંપની સી.વી.સી કેપિટલ અને ટોરેન્ટ વચ્ચે આ અંગેની સમજુતી થઇ ચુકી છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયગાળામાં થશે. ટોરેન્ટ મેજર અને સી.વી.સી માઇનોર હિસ્સો રાખશે.
તમામ ફ્રેન્ચાઇઝીની વર્થ વધી
IPL વિશ્વી સૌથી વધુ કમાણી કરી આપતી લોકપ્રિય લીગ છે. આ જ કારણે તમામ ફ્રેન્ચાઇઝીની વર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ટાઇટન્સની હાલની વર્થ એક અબજ ડોલર એટલે કે અંદાજે 8500 કરોડ છે. આ કિંમતે 60 ટકાથી વધુ હિસ્સો ખરીદવા 6000 કરોડ ટોરેન્ટ જુથને આપવા પડશે. સીવીસીએ 5625 કરોડમાં ગુજરાત ટાઇટન્સને ખરીદી હતી.
CVCએ આશ્ચર્ય સર્જેલું
2022માં તેની પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સ IPLમાં ચેમ્પિયન બન્યું હતું. 2021માં ગુજરાતની ફ્રેન્ચાઇઝી માટેની માલિક હક્ક મેળવવા બીડિંગ થયું હતું જેમાં બધાના આશ્ચર્ય વચ્ચે જે કંપનીની ભારતમાં ઓળખ જ નહોતી તેવી યુરોપિયન કંપની સીવીસીએ સૌથી વધુ 5,625 કરોડ સાથે તેના હરિફોને પાછળ પાડીને ચોંકાવી દીધા હતા.
અદાણી અને ટોરેન્ટ બીડિંગમાં આઉટ થયેલા
કોર્પોરેટ જગત અને ક્રિકેટ વર્તુળને તો છેક સુધી એવી જ ખાતરી હતી કે અદાણી જૂથ હોડમાં હોઇ તેઓ જ ગુજરાતની ફ્રેન્ચાઇઝીના માલિક બનશે પણ અદાણી જૂથ સીવીસીની તાકાત ઓળખવામાં નિષ્ફળ ગયું અને તેઓનું બીડિંગ રૂપિયા 5100 કરોડ રહ્યું હતું. સીવીસીએ અદાણી કરતા 525 કરોડ વધુની બીડ કરતા માલિકી હક્ક મેળવ્યા હતા. સીવીસીએ 5625 કરોડ સાથે ટીમ ખરીદી હતી.
લોકિંગ પીરિયડ
ફેબ્રુઆરી 2025 સુધી તો સીવીસી જ કરારની શરતો હેઠળ સંપૂર્ણ માલિક રહેશે પણ આ લોકિંગ પીરીયડ પુરો થતા ટોરેન્ટ જૂથ ગુજરાત ટાઇટન્સના મહત્તમ માલિક બનશે.
ગુજરાતી ટચ
2025ની IPLની સીઝનમાં ગુજરાત ટાઇટન્સની મેજર મમાલિક ટોરેન્ટ જૂથ હશે કેમ કે IPL મે-જુનમાં રમાતી હોય છે. ટોરેન્ટ જૂથ અમદાવાદ સ્થિત હોઇ ગુજરાત ટાઇટન્સને ગુજરાતી કંપનીની માલિકીની ઓળખ પણ મળશે.
ટીમના બદલાવ પર નજર
જોકે, ગુજરાતના ક્રિકેટર એવા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સ ખેંચી ગયું હોઇ 2024ની સીઝનમાં શુભમન ગીલને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે આ વર્ષના અંતે કે 2025ની ફેબ્રુઆરીમાં મેગા ઓક્શન થવાની હોઇ ટોરેન્ટ જૂથ ટીમમાં કેવો બદલાવ લાવે છે તે જોવાનું રહેશે.








